બહુચરાજી તાલુકાના કનોડા ગામે રૂ. 60 લાખના ખર્ચે બંધાયેલી સમસ્ત રબારી સમાજની વાડીનું ઉદ્ઘાટન મહંત બળદેવદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા દાતા સન્માન તેમજ ભુવાજીઓના સન્માન સમારંભમાં મહંત બળદેવદાસજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું કે, જેમ મોર તેના પીંછાથી રળિયામણો લાગે તેમજ કોઈપણ સમાજની શોભા તેના દાતાઓ હોય છે. માલધારી સમાજ આજે દેવ દેવીઓની અપાર કૃપાથી સુખી થયો છે. ભારે દાતાઓ દ્વારા સમાજવાડી જેવા સામાજિક અને શૈક્ષણિક કાર્યો થાય તે અત્યંત જરૂરી અને અભિનંદનને પાત્ર છે. બાપુએ વધુમાં જણાવ્યું કે, આધુનિક યુગમાં સમાજની પ્રગતિનો આધાર ધર્મની સાથે શિક્ષણના પાયા પર રહેલો છે. ત્યારે સમાજની એકપણ દીકરી કે દીકરો શિક્ષણથી વંચિત ન રહી જાય તે સમાજની જવાબદારી છે. આ પાવન પ્રસંગે ગામના આગેવાનો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ પૂર્વે ગામના પાદરથી ભુવાજીઓનું બગીમાં બેસાડી ડી જે ગુલાબના પુષ્પોની વૃષ્ટિ સાથે ભવ્યતિભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.