ગુજકોસ્ટ (GUJCOST) દ્વારા આયોજિત Robofest 2.0 સ્પર્ધામાં રોબોટ બનાવવાની સાત શ્રેણીમાંથી GPS રોવર શ્રેણીમાં સરકારી ઇજનેરી કોલેજ(જીઇસી) ભાવનગરના વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટી અને મિલેટ્રીના હેતુ આધારિત રોવર રોબોટનો નમૂનો તૈયાર કરી ભાગ લીધો હતો. સ્પર્ધકો અને નિર્ણાયકોની વચ્ચે રોબોટનું પ્રદર્શન કરી રૂપિયા 1 લાખનું ઈનામ મેળવ્યું છે. આ ઊપરાંત રોબોટના નમુનાને અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં રોબોટ ગેલેરીમાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે. સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી રાજ્યે સ્તરે કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજનાં વડા ડો. પ્રો. જી. પી. વડોદરિયાએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પહેલાં આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ટીમને રોવર બનાવવા માટે GUJCOST દ્વારા પ્રથમ રાઉન્ડમાં 50 હજાર તેમજ બીજા રાઉન્ડમાં 1 લાખ મળ્યા હતા. ગુજરાતની વિવિધ સંસ્થાઓમાંથી કુલ 23 ટીમના પ્રપોઝલ આવ્યા હતા જેમાં જીઇસી ભાવનગરની ટીમની પસંદગી થઇ હતી અને ઉત્તમ પ્રદર્શન કર્યું છે, આ સિદ્ધિ માત્ર જીઇસી ભાવનગર માટે જ નહીં પરંતુ સમગ્ર ભાવનગર માટે ગર્વ લેવા જેવી બાબત છે. આ રોબોટ કોલેજના કમ્પ્યૂટર બ્રાન્ચના વિદ્યાર્થીઓ અર્જુન વંકાણી , વેદાંત ત્રિવેદી, ધાર્મિક પંજવાણી , તુલસી ગોસ્વામી અને તીર્થરાજ , વિભાગના વડા પ્રો. કે. પી. કંડોરીયાના માર્ગદર્શન હેઠળ બનાવ્યો હતો.
Home > Saurashtra > Bhavnagar > જીઇસીના ભાવિ ઇજનેરોએ રોબોટ બનાવી જીત્યું રૂ.1 લાખનું ઇનામ, હવે આ રોબોટને સાયન્સ સિટીની ગેલેરીમાં મુકાશે.