માર્ચ એન્ડીંગના હિસાબો કરવા માટે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ગત તા. 24 થી બંધ થયા બાદ આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે 50 ટકા માર્કેટ યાર્ડોમાં હરાજી શરૂ થઈ હતી. રાજકોટમાં તો 1100થી વધુ વાહનોમાં જણસી ઠલવાઈ હતી અને એક દિવસમાં 32 લાખ કિલો ચણાની આવક થઈ હતી. ઉઘડતી બજારે કપાસમાં ભાવમાં વધારો નોંધાયો છે અને રાજકોટ-ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિ મણનો રૂ।. 2500થી વધુ ભાવ બોલાયો હતો. ચણાની ધૂમ આવક વચ્ચે ભાવ રૂ।. 830-940એ આંશિક સુધર્યા હતા. તમામ જણસીની ધૂમ આવક શરૂ થઈ છે અને કપાસ ઉપરાંત ધાણાના ભાવમાં પણ આંશિક રૂ।. 100નો પ્રતિ મણ વધારો જોવા મળ્યો હતો. જ્યારે તે સિવાય ઘંઉ, તલ, મગફળી,મરચા સહિત લગભગ તમામ જણસીના ભાવ આઠ દિવસ અગાઉ જેટલા હતા તે જળવાઈ રહ્યા છે.એક દિવસમાં આશરે 3.20 લાખ મણ જણસી ઠલવાઈ છે અને યાર્ડ સત્તાધીશોએ મેથી, ચણા,લસણની આવક બંધ કરાવવી પડી છે. ગત આઠ દિવસ ખેડૂતો તેમનો કૃષિપાક વેચી શક્યા નથી અને આજથી વેચાણ શરૂ થયું ત્યારે આ દિવસોમાં ડિઝલમાં પ્રતિ લિટર રૂ।.7નો અને ખાતરમાં રૂ।.150 અને રૂ।. 285નો વધારો અમલી થઈ ગયો છે જેથી વાવેતર અને કૃષિમાલનું પરિવહન વધુ મોંઘુ થયું છે. આજે રાજકોટ યાર્ડમાં પ્રતિ મણ કપાસના ભાવ વધીને રૂ।.1776-2540 ,ટૂકડા ઘંઉના 448-510 (જે છૂટક બજારમાં વિણાટ પછી બજારમાં રૂ।. 600ના મણ લેખે વેચાય છે) , જીરૂ 3200-4200, મરચાં 1100-3050, ધાણાની 7.20 લાખ કિલો આવક થવા સાથે ભાવ વધીને રૂ।. 2100-2270થી સોદા થયા હતા. મેથીની પણ મબલખ આવક (8.20 લાખ કિલો) થઈ હતી અને 1000-1239ના ભાવે વેચાણ થયું હતું. જુના માર્કેટ યાર્ડમાં હલકી રાઈનું કૌભાંડ પકડાયું હતું, શાકભાજીના વઘારમાં વપરાતી આ રાઈની 64,000 કિલો આવક સાથે રૂ।.1160-1230ના ભાવે વેપારીઓએ ખરીદી કરી હતી.