પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જ 1 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ માતાજીના પ્રત્યક્ષ દર્શન કરવા માટે સવારથી જ એસટી બસ, રોપવે સેવા સહિત મંદિરમાં માઈભક્તોની કતારો જોવા મળી હતી. સવારે 5 કલાકે દર્શન માટે મંદિરના નિજ દ્વાર ખુલ્લાં મૂકાતાં ભક્તોએ સરળતાથી દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. સાથે હાલોલથી પાવાગઢ જતા રોડ પર સવારથી જ પગપાળા યાત્રા સંઘોનો ભક્તિસભર નજારો જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના કરવાનો વિશેષ મહિમા રહેલો છે. માઈભક્તો વિવિધ શક્તિપીઠમાં જઈને માતાજીની ઉપાસના કરતા હોય છે. ત્યારે પાવાગઢ ખાતે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યના માઈભક્તો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. અન્ય રાજ્યોના માઈભક્તો માતાજીની જ્યોત પ્રગટાવીને પોતાના વતન લઈ જતા હોય છે, જેની નવરાત્રિમાં આરાધના કરવામાં આવે છે. પાવાગઢમાં યાત્રાળુઓના ધસારાને લઇ તેઓને પ્રાથમિક સુવિધાઓમાં કોઈ કચાસ ન રહે માટે જિલ્લા તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી સલંગ્ન વિભાગની બેઠક યોજી સૂચનાઓ અપાઇ છે. તેમ છતાં પાણી પુરવઠા અને સ્થાનિક પંચાયતના અણઘડ વહીવટથી ડુંગર પર નિયમિત પાણી ન પહોંચતાં નવરાત્રીના પ્રથમ દિવસે પણ સ્થાનિક વેપારીઓને રૂ .20 ખર્ચી 15 લિટર પાણીનો કેરબો લેવાની ફરજ પડી હતી.
Home > Madhya Gujarat > Halol > ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ ખાતે પ્રથમ દિવસે 1 લાખ ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટ્યાં.