ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં ખાનગી કંપનીઓ દ્વારા વીજળીની માગ વધારે હોય ત્યારે યુનિટદીઠ વીજળી મહત્તમ રૂા. 12ના જ ભાવે વેચી શકાય તેવો આદેશ કર્યો છે. ડિમાન્ડ ન હોય ત્યારે વીજળી યુનિટદીટ મિનિમમ રૂા. 2.50ના ભાવે વેચવાની જોગવાઈ તો વરસોથી કરવામાં આવેલી છે. છથી સાત મહિના પૂર્વે કોલસાની તંગી થઈ અને વીજળીની દેશભરમાં અછત થઈ તે પછી વીજળીના યુનિટદીઠ ભાવ બહુ જ ઊંચા બોલાતા કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ પાવરે આ નિર્ણય લીધો છે. વીજવપરાશકારોના હિતમાં અને ખાનગી કંપનીઓની નફાખોરી પર બ્રેક લગાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રિય વીજ નિયમન પંચ અગાઉ યુનિટદીઠ મહત્તમ ભાવની મર્યાદા રૂા. 20ની કરી હતી. તેમ જ ડિમાન્ડ ઓછી હોય ત્યારે મિનિમમ ભાવ રૂા.2.50નો રાખવાનું નક્કી કરી આપ્યું હતું. આ સ્થિતિનો ગેરલાભ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં વીજળી વેચતી કંપનીઓ દ્વારા ઊઠાવવામાં આવી રહ્યો હતો. ગત 26મી માર્ચે કેન્દ્રિય વીજ નિયમન પંચે વીજળીના ઊંચા ભાવ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. પાવર એક્સચેન્જમાં વેચાવા આવતી વીજળી કરતાં વીજળી ખરીદનારાઓની ડીમાન્ડ બમણી હોવાથી બહુ જ ઊંચા ભાવ બોલાયા હતા. માર્ચની 25મીએ વીજળીના હાજર બજારમાં યુનિટદીઠ ભાવ રૂા. 18.70નો બોલાયો હતો. કેટલીકવાર સપ્લાયનો ભાવ યુનિટદીઠ રૂા.20ને સ્પર્શી જતાં હતા. પાવર સેક્ટરના નિષ્ણાતનું કહેવું છે કે ગુજરાતમાં ગરમી વધતા 30મી માર્ચે સાંજે 5 વાગ્યાના અરસામાં ગુજરાતની વીજ ડિમાન્ડ વધીને 18752 મેગાવોટ થઈ ગઈ હતી. આ તબક્કે ગુજરાતનું પોતાનું ઉત્પાદન માંડ 35થી 40 ટકાનું જ હતું. પરિણામે ગુજરાતે બહુ જ જંગી પ્રમાણમાં ખાનગી કંપનીઓ પાસેથી વીજળીની ખરીદી કરવાની નોબત આવી શકે છે. ડિમાન્ડ સપ્લાયની આ સ્થિતિ લાંબો સમય રહેવાની ધારણા છે. હવે ઊનાળો બેસી ગયો હોવાથી અને આગામી દિવસોમાં હીટવેવ આવવાની આગાહી આવી રહી છે ત્યારે ડિમાન્ડમાં હજીય વધારો થવાની શક્યતા છે. તેની સામે વીજળીના સપ્લાયમાં રાતોરાત વધારો થવાની સંભાવનાઓછી છે. આ સ્થિતિમાં દેશભરમાંથી વીજળીના ભાવને નામે બૂમ ઊઠે તે પૂર્વે જ કેન્દ્ર સરકારે એનર્જી એક્સચેન્જમાં યુનિટદીઠ મહત્તમ વેચાણ ભાવ રૂા.12નો કરી નાખ્યો છે. અગાઉ આ ભાવની મહત્તમ મર્યાદા યુનિટદીઠ રૂા.20ની હતી. પરિણામે ઊનાળામાં ગુજરાતની વીજ વિતરણ કંપનીઓએ એનર્જી એક્સચેન્જમાંથી વીજળી ખરીદવા માટે બિડિંગ કર્યું ત્યારે તેમને યુનિટદીટ રૂા. 18.5ની આસપાસના ભાવે સપ્લાય મળે તેવી સ્થિતિ હતી. આ ભાવે વીજળી ખરીદે તો ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ ગુજરાતના વીજ વપરાશકારોના વીજબિલમાં ભયંકર વધારો થઈ જવાની સંભાવના હતી. તેથી ગુજરાત સરકારે મોંઘી વીજળી ખરીદવાને બદલે ગુજરાતમાં પાવરકટ મૂકવાનું પસંદ કર્યું છે. ખેડૂતોને 8 કલાક વીજળી દિવસ દરમિયાન આપવાની વધેલી માગને કારણે ખેડૂતોને વીજ સપ્લાય આપવા પર કાપ મૂકવા સામે અવરોધ આવ્યો હતો. તેથી ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓમાં સ્ટેગરિંગની સિસ્ટમથી ઉદ્યોગોને અપાતા વીજ પુરવઠામાં અઠવાડિયે એક દિવસનો કાપ મૂકવાની ફરજ પડી છે.