ગરમી ચાલુ થતા પાણીનો વપરાશ વધાવાની સાથે ગાંધીનગરના રહેવાસીઓને નળમાંથી ટપકતુ પાણી બંધ કરવાની વ્યવસ્થા બનતી ત્વરાએ કરવાની અપિલ કારઇ છે. સાથે અધિકારીઓએ ગેરકાયદે નળ જોડાણ લઇને ઉપયોગ કરનારાઓ પર તવાઇ ઉતારાશે, તેવી ચિમકી ઉચ્ચારી છે. રહેણાંક હેતુ માટે પાણીનું જોડાણ મેળવ્યા પછી તેનો ઉપયોગ વાણિજ્ય હેતુમાં કરવામાં આવતો હોય તેવા કિસ્સા પકડાશે તો દંડાત્મક કાર્યવાહી કરવાની સ્પષ્ટતા પણ કરી છે. મતલબ કે, સરકારે શરૃ કરેલા જળ સંચય અભિયાનમાં પાટનગર યોજના વિભાગની પાણી શાખા દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. પાટનગર યોજના વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે તમામ સેક્ટરમાં તથા વાણિજ્ય વિસ્તારોમાં પણ આકસ્મિક તપાસ કરવા માટે વિભાગના કર્મચારીઓની ટુકડી બનાવીને તપાસ કરાવીને ગેરકાયદે મેળવાયેલા નળના જોડાણ શોધી કાઢવામાં આવશે. વધુમાં જણાવ્યું કે કોઇ સ્થળે પાણીનો વેડફાટ થતો જોવા મળે તો નજીકના સુવિધા કેન્દ્ર પર તેની જાણકારી આપવાથી જરૃરી પગલા લેવાશે. ઉપરાંત પાણીના બચાવ માટે નળના જોડાણમાં ક્યાંય લિકેજ હોય તો તાકીદે સમારકામ કરાવી લેવાની અને નીચા લેવલ પર ખુલ્લી પાણીની લાઇન હોય તો તેને બંધ કરવાની વ્યવસ્થા કરવા અથવા જાણકારી આપવા અપિલ કરાઇ છે. પીવાના પાણીના ઘરેલુ જોડાણની સત્તાવાર સંખ્યા ૪૪ હજાર જેટલી છે. પરંતુ ગેરકાયદે બીજા જોડાણની સંખ્યા પણ ઘણી છે અને શહેરી ગામો સહિત જોડાણની સંખ્યા ૬૦ હજાર આસપાસ પહોંચે છે. મતલબ કે મીટરથી ૨૪ કલાક પાણીની યોજના અમલી કરવા માટે મોટી સંખ્યામાં મીટર મુકાશે. ઇજનેરી સુત્રોએ કહ્યું કે એક નળમાંથી દર સેકન્ડે પાણીનું એક ટીપું ટપકતું રહે તો મહિને ૭૬૦ લીટર અને વર્ષે ૪૬ હજાર લીટર પાણી બરબાદ થઇ જાય છે. પાણી બચાવી શકાય છે, બનાવી શકાતું નથી, ત્યારે ઘરમાં અને ઘર બહારના પાણીના જોડાણના દરેક નળ ટપકતા ન રહે તે જોવાની દરેક નાગરિકની વ્યક્તિગત જવાબદારી બની જાય છે. ઘણા વસાહતી આવા કિંમતી પાણીના નળ ખુલ્લા છોડી દેતા હોય છે અને ઘણા સ્થળે પાઇપ પર ચકલી જ હોતી નથી. આ મુદ્દે જાગૃતિ દાખવવી અનિવાર્ય છે.