શાકભાજી સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબ્યા.

Bhavnagar Latest

ભાવનગર સહિત ગુજરાત રાજયભરમાં પેટ્રોલ અને ડિઝલ  તેમજ ગેસના ભાવ સડસડાટ રીતે આસમાને આંબી રહ્યા હોય તેના કારણે આવશ્યક ફળફળાદી, શાકભાજી તેમજ જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત દયનીય થઈ ગઈ છે. મોંઘવારીના કારણે આ પરિવારોને ગુજરાન ચલાવવામાં નેવાના પાણી મોભે ચડી રહ્યા છે. છેલ્લા સપ્તાહથી પેટ્રોલ અને ડિઝલ તેમજ રાંધણ ગેસ સિલીન્ડર ઉપરાંત પી.એન.જી. ગેસના ભાવમાં એકાએક વધારો ઝીંકાઈ રહ્યો હોય તેની સીધી અસરથી રોજીંદી અત્યંત મહત્વની આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સડસડાટ રીતે ગગનમાં આંબી રહ્યા છે. એકબાજુ અસહ્ય ગરમીના માહોલના કારણે ભાવનગર જિલ્લામાંથી રોજીંદી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે તે ઉપરાંત પેટ્રોલીયમ પેદાશના ભાવવધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધી જતા જુના ભાવે ગામડાઓમાંથી શાકભાજી જિલ્લા અને તાલુકા મથકોએ લઈ જવા માટે ટ્રાન્સપોર્ટરો તૈયાર થતા નથી. ખેતપેદાશના ઉત્પાદક ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનનો નવો ભાવ પોસાતો ન હોય આ બાબતે રોજીંદી રકઝકના કિસ્સાઓ વધી રહ્યા છે. તેના કારણે ભાવનગર શહેરમાં આવશ્યક પુરવઠો મળવામાં વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા હોવાનું છુટક વિક્રેતાઓએ જણાવ્યુ હતુ. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના કિચન બજેટને વ્યાપક પ્રમાણમાં અસર થઈ રહી છે.દરેક શાકભાજીના ભાવમાં અંદાજે ૧૫ થી ૨૦ ટકાનો વધારો ઝીંકાયો છે. જેમાં કોબી રૂા ૨૫ થી ૩૦ ની કીલો, રીંગણા રૂા ૨૫ થી ૩૫ ના કિલો,લીંબુ ૧૮૦ થી ૨૦૦ના કીલો શાકમાર્કેટમાં વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય શાકભાજીના ભાવ પણ વધી ગયા હોય ગૃહિણીઓ રોજબરોજ કયુ શાક રાંધવુ તેની મીઠી મુંજવણ અનુભવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *