ગારિયાધાર, પાલિતાણા અને ગઢડા તાલુકાના ખેડૂતોને છેલ્લા એકાદ માસ જેટલા સમયથી ખેતીવાડીમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવામાં આવતો નથી. જેના કારણે પાકને નુકશાની જવાની રાવ ઉઠી છે. ખેડૂતોને છ કલાકના બદલે નિયમિત રીતે આઠ કલાક વીજળી આપવાની માંગ સાથે કિસાન સંઘની આગેવાની હેઠળ ત્રણેય તાલુકામાં વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગારિયાધાર તાલુકાના ખેડૂતોને છેલ્લા ૨૦ દિવસથી ખેતીવાડીમાં કટકે કટકે પાંચથી છ કલાક જ વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જેના કારણે પાકને નુકશાન જઈ રહ્યું હોય, આજે સોમવાર ભારતીય કિસાન સંઘ-ગારિયાધાર તાલુકાની આગેવાની હેઠળ તાલુકાના ખેડૂતો ગારિયાધાર પીજીવીસીએલ કચેરી ખાતે દોડી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. જો પરિસ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જ્યારે પાલિતાણામાં પણ છેલ્લા એક માસથી વીજ પુરવઠાની અનિયમિતતાની સમસ્યાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય, ખેડૂતોએ પાલિતાણા વીજ કચેરી ખાતે દોડી જઈ ધરણાં યોજી આઠ કલાક વીજ પુરવઠો આપવા અન્યથા ધરણાં પર બેઠી આંદોલન છેડવાની ચિમકી સાથે આવેદન આપ્યું હતું. ખેતીવાડીમાં વીજ પુરવઠો ઓછો આપવામાં આવતો હોવાની ફરિયાદ બોટાદ જિલ્લામાં પણ હોય, આજે ગઢડા માં કિસાન સંઘ દ્વારા પીજીવસીએલ કચેરી સુધી રેલી કાઢી ખેડૂતોને આઠ કલાક વીજળી આપવા માંગણી કરવામાં આવી હતી. જો વીજ તંત્ર દ્વારા સમસ્યાનું નિવારણ નહીં લાવવામાં આવે તો આંદોલન છેડવામાં આવશે તેમ ભારતીય કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું.