રાજ્યમાં આજે ધોરણ – 10 અને 12 બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં પણ ધોરણ – 10 અને 12 મળીને કુલ 44 હજાર 988 વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આજે ગાંધીનગરની સેક્ટર 23 સ્થિત ગુરૃકુલ વિદ્યાલયમાં શિક્ષણ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી આવકાર્યા હતા. ગાંધીનગર જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે . ધોરણ 10ના 26 હજાર 996 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 13 હજાર 382 તથા વિજ્ઞાન પ્રવાહના 4 હજાર 614 એમ કુલ મળીને 44 હજાર 988 વિદ્યાર્થીઓની બોર્ડ કસોટીની શરૂઆત થઈ છે. પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે 154 સ્થળ પર આવેલા તમામ 404 બ્લોકમાં સીસીટીવી કેમેરાની ડિજીટલ નજર તો રહેશે. આ ઉપરાંત બોર્ડના અધિકારીઓ તથા જિલ્લા શિક્ષણ તંત્રના અધિકારીઓની ટુકડીઓ તમામ પરીક્ષા સ્થળો પર સતત ફરતી રહેવાની છે. આ સાથે જ પરીક્ષાલક્ષી કોઇપણ મુંજવણ ઉભી થાય તો વિદ્યાર્થીઓને તુરંત માર્ગદર્શન મળી રહે તેના માટે જિલ્લામાં 8 આચાર્યને કાઉન્સેલીંગની જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષાર્થીને બેઠક પર જ પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા પણ કરાઇ છે. ધોરણ 10ની પરીક્ષા માટે ગાંધીનગર પૂર્વમાં અને પશ્ચિમમાં મળીને 32 પરીક્ષા કેન્દ્ર નિયત કરવામાં આવ્યા છે. તેમાં પૂર્વમાં 456 બ્લોક અને પશ્ચિમમાં 472 મળીને કુલ 933 બ્લોક નિયત કરાયા છે. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. જ્યારે ધોરણ 12માં ગ્રામ્યમાં અને શહેરમાં મળીને સામાન્ય પ્રવાહ માટે 44 કેન્દ્રોમાં 426 તથા વિજ્ઞાાન પ્રવાહમાં 22 કેન્દ્રોમાં 233 બ્લોક નિયત કરવામાં આવેલા છે. આ તમામ બ્લોકમાં સીસી ટીવી કેમેરા લાગેલા છે. તમામ કેન્દ્ર અને બ્લોક માટે કુલ મળીને 154 પરીક્ષા સ્થળ નિયત કરવામાં આવેલા છે. જ્યારે ધોરણ 12 માટે 2 શિક્ષણ નિરીક્ષકને તથા ધોરણ 10માં એક શિક્ષણ નિરીક્ષક અને એક મદદનીશ શિક્ષણ નિરીક્ષકને ઝોનલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત તમામની ઉપર જિલ્લા શિક્ષણાધિકારી રહેશે. આ નિમિત્તે આજે ગાંધીનગર સેક્ટર 23 સ્થિત ગુરૃકુલ વિદ્યાલય પર રાજ્યના શિક્ષણ મંત્રીએ ખાસ ઉપસ્થિત રહીને પરીક્ષાર્થી બાળકોનું સ્વાગત કર્યું હતું . જ્યારે સેક્ટર 7 સ્થિત જે એમ ચૌધરી વિદ્યાલય ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
Home > Gandhinagar > ગાંધીનગરમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, શિક્ષણ મંત્રીએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.