વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં કારેલીબાગ રાત્રી બજારની આઠ દુકાનની હરાજી કર્યા બાદ વધુ નવ દુકાનની હરાજી કરવાનુ નક્કી કર્યા પછી હવે સયાજીપુરા આજવા રોડ પર આવેલા રાત્રી બજારની 35 દુકાનોની હરાજી કરવાનું નક્કી કર્યું છે. સયાજીપુરા રાત્રી બજારની દુકાનો માટે અગાઉ અનેક પ્રયાસો થયા છે, છતાં દુકાનોની હરાજીમાં સફળતા નથી મળી. દુકાનો ઉપયોગ વિના પડી રહી છે અને જર્જરીત થઈ જાય એવો ભય ઊભો થયો છે. દુકાન જાહેર હરાજીથી વેચાણ માટે પાંચ વખત મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વર્ષ 2018 થી વર્ષ 2021 સુધીમાં છેલ્લા ચાર વર્ષમાં 11 વખત હરાજી માટે જાહેરાત આપી હતી. દુકાનો માટે સૌપ્રથમ મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ 6 લાખ રાખવામાં આવી હતી જે પાંચ વખત તબક્કાવાર ઘટાડીને છેલ્લે એક લાખ રૂપિયા કરવામાં આવી છે. હાલ આ દુકાનો ઉપયોગ વિના પડી રહેતા દર મહિને કોર્પોરેશનને લાઈટ બિલ અને સિક્યુરિટી ગાર્ડનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે. 35 દુકાનોમાંથી 31 જનરલ કેટેગરીની છે. જ્યારે બે એસટી તથા એક એક એસસી અને ઓબીસી કેટેગરી માટેની છે. ત્રણ વર્ષની મુદત માટે હરાજીથી દુકાન લેવા માંગતા ધંધાર્થીઓને તારીખ 12 એપ્રિલ સુધીમાં ડિપોઝિટ સાથે અરજીપત્ર કોર્પોરેશનની જમીન મિલકત શાખા( કોમર્શિયલ)ને પહોંચાડી દેવા જણાવ્યું છે.