વૈશ્વિક મહામારી કોરોનાને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે 21 દિવસ સુધી ભારત લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારે રાજય પોલીસ વડાએ કહયું હતું કે રાજયમાં લોકડાઉન દરમ્યાન જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની કોઈ અછત વર્તાશે નહીં અને તેનું પરિવહન કરતાં વાહનોને અડચણ નહીં કરવા પણ પોલીસને સુચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં જાહેરનામાં ભંગના 194 અને કવોરેન્ટાઈન ભંગના 89 ગુના નોંધાયા છે. અત્યાર સુધી ક્વોરેન્ટાઈન ભંગના 236 ગુના નોંધાઈ ચુકયા છે.
રાજયમાં લોકડાઉનની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસની અસરને સમગ્ર દેશને બચાવવા 21 દિવસ સુધી લોકોને ઘરમાં રહેવા જ અપીલ કરીને દેશને લોકડાઉન જાહેર કર્યો છે. ત્યારે આ મામલે રાજય પોલીસ વડા શિવાનંદ જહાએ જણાવ્યું હતું કે લોકડાઉનના આ સમયગાળા દરમ્યાન રાજયના નાગરીકોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
આ સ્થિતિમાં રાજયમાં સૌ નાગરિકોને દુધ, શાકભાજી, ફળફળાદી, અનાજ-કરીયાણું સહિતની આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે પોલીસને પણ સંવેદનશીલતાથી વર્તવા માટે સૂચના આપવામાં આવી છે. આ વાઈરસની સ્થિતિમાં જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનને સમગ્ર રાજયમાંથી આવકારદાયક પ્રતિસાદ મળી રહયો છે અને આવનારા દિવસોમાં પણ લોકો આ જ પ્રકારનો સહકાર આપે તે જરૂરી છે કેમકે સોશ્યલ ડીસ્ટન્સીંગ થકી જ આ વાઈરસને મહાત આપી શકાશે.
પોલીસ પણ લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી રહી છે. તા.ર4 માર્ચથી અત્યાર સુધીમાં જાહેરનામાં ભંગના 191 ગુના અને ક્વોરેન્ટાઈન થયેલી વ્યક્તિઓ દ્વારા કાયદાના ભંગ બદલ 89 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 3પ3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આમ રાજયમા અત્યાર સુધીમાં જાહેરનામાં ભંગના કુલ 490 અને ક્વોરેન્ટાઈન ભંગના ર36 ગુનાઓમાંથી કુલ 897 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.