પ્રથમ દિવસે બોર્ડના 12934 વિદ્યાર્થીએ પરીક્ષા આપી, ધો.10નું પ્રથમ પેપર સરળ રહેતાં રાહત.

Chhota Udaipur Latest

છોટાઉદેપુર જિલ્લામાં તા. 28 માર્ચથી ધો 10 અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો આરંભ શાંતિપૂર્ણ માહોલમાં થઇ ગયો છે. સોમવારે છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી એસ એફ હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિષ્નાબેન પાચાણીએ વિદ્યાર્થીઓને તિલક કરી ગોળ ધાણા ખવડાવી સ્વાગત કર્યું હતું. અને પરીક્ષા અંગે શુભકામનાઓ આપી હતી. જે પ્રસંગે એસ એફ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હિતેશભાઈ ચૌહાણ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. એ જ રીતે જિલ્લાના દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું સ્વાગત કરી પ્રવેશ અપાયો હતો. પરીક્ષા આપવાનો પરીક્ષાર્થીઓમાં ઉમંગ જોવા મળ્યો હતો. સોમવારે ધોરણ 10માં ગુજરાતી, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિજિકસ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર હોઇ પરીક્ષાર્થીઓ તૈયારીઓ કરીને આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં આવી જતા સોમવાર તા. 28 માર્ચના રોજથી એસ એસ સી અને એચ એસ સીની પરીક્ષા શરૂ થશે. તેમાં એસ એસ સીની પરીક્ષામાં જિલ્લામાં કુલ 11410 વિદ્યાર્થીઓમાંથી 10854 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જ્યારે 556 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. એ જ રીતે ધો 12 એચ એસ સી વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1127 વિદ્યાર્થીઓમાંથી 1085 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જ્યારે 42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને એચ એસ સી સામાન્ય પ્રવાહ ગુજરાતી માધ્યમમાં કુલ 973 વિદ્યાર્થીઓમાંથી 956 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જ્યારે 17 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં કુલ 40 વિદ્યાર્થીઓમાંથી 39 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને 1 ગેરહાજર રહ્યો હતો. સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોમાં ધોરણ 10ના 17 કેન્દ્રો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9 કેન્દ્રો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2 કેન્દ્રો કુલ 28 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઇ હતી. જેમાં જિલ્લામાં ધોરણ 10માં સ્થળ સંચાલકોની સંખ્યા 51 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 18 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6 કુલ 75 સ્થળ સંચાલકો પરીક્ષા કામગીરીમાં જોતરાયા છે. જ્યારે જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા કામગીરીમાં રોકાનાર બ્લોક સુપરવાઈઝર ધોરણ 10માં 550 સુપરવાઈઝર ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 220 ધોરણ 12 વિજ્ઞાનમાં 80 મળી કુલ 850 સુપરવાઈઝર ફરજ બજાવશે અને પરીક્ષા કામગીરીમાં રોકાનાર વહીવટી કર્મચારીની સંખ્યા ધોરણ 10માં 102 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 36 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 12 કુલ 150 કર્મચારીઓ કામગીરીમાં વ્યસ્ત રહેશે. હાલ તો છેલ્લા 2 વર્ષથી ઓનલાઈન ઓફલાઇનના શિક્ષણ વચ્ચે ઝોલા ખાતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પાવીજેતપુર તાલુકામાં ધો.10ના 4 કેન્દ્રો ઉપર 1928 જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાતીના પ્રથમ પેપરની પરીક્ષા આપી હતી. 3 યુનિટમાં 829માંથી 21 ગેરહાજર રહેતા 808 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ભીખાપુરા એસએસસી કેન્દ્ર ઉપર 583માંથી 36 વિદ્યાર્થી ગેરહાજર હતા. ભેંસાવહી કેન્દ્ર ઉપર 354માંથી 28 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. જ્યારે શિથોલ કેન્દ્ર ઉપર 289 વિદ્યાર્થીમાંથી 14 ગેરહાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *