કેસૂડા, ગલગોટા, પાલક, બીટરૂટનાં પદાર્થોમાંથી કુદરતી બિનહાનિકારક રંગો બનાવ્યા. હાલોલની સખીમંડળની બહેનોએ કેસૂડામાંથી સાબુ સહિતની બનાવટો બનાવી આજીવિકા મેળવી. ધૂળેટીનો તહેવાર નજીક છે ત્યારે હોળી રમવા માટે કેમિકલયુક્ત રંગોનાં બદલે સલામત એવા ઓર્ગેનિક કલર્સનાં વિકલ્પો પૂરા પાડ્યા છે. ડિસ્ટ્રીક્ટ લાઈવલીહૂડ મેનેજર આદિત્ય મીણા જણાવે છે કે વાળ, ત્વચા, આંખો અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા કેમિકલયુક્ત રંગોનાં બદલે ઓર્ગેનિક કલર્સની માંગ મેટ્રો શહેરો સહિત સમગ્ર દેશમાં મોટા પાયે વધી છે. હાલોલ તાલુકાનાં મસવાડનાં 3 સખી મંડળો રીતીક મહિલા મંડળ, અભિલાષા મિશન મંગલમ સ્વસહાય જૂથ અને વૃષ્ટિ મિશન મંગલમ સ્વસહાય જૂથની બહેનોએ સેન્ટર ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન અને એલબીસીટીનાં સહયોગથી તાલીમ મેળવી ‘પંચમ’ બ્રાન્ડ હેઠળ કેસૂડા, ગલગોટાનાં ફૂલો, પાલક, બીટ અને ગુલાબમાંથી કુદરતી રંગો અને સાબુ સહિતની બનાવટોનું વેચાણ જિલ્લા સેવાસદન ખાતે શરૂ કર્યું છે. વેચાણકેન્દ્રનુ કલેક્ટરનાં હસ્તે શુભારંભ કર્યો હતો. તાલીમ સહિતનું માર્ગદર્શન પૂરુ પાડતા સીઈઈનાં કોમ્યુનિટી મોબલાઈઝરે જણાવ્યું હતું કે સ્થાનિક કુદરતી પેદાશોનો ઉપયોગ કરી આવા રંગોનાં ઉત્પાદન થકી સખીમંડળની મહિલાઓને આવક મળે તે હેતુથી બે વર્ષથી તાલીમ આપી રહી છે, કેસૂડાનાં ફૂલોમાંથી ઓર્ગેનિક સાબુ તેમજ બેધિંગ બેગ્સ પણ બનાવે છે, જેની માંગ સારી છે. રો-મટીરીયલ એવા કેસૂડાનાં ફૂલો મંડળનાં બહેનો પાસેથી જ ખરીદવામાં આવે છે. આ વર્ષે 100 કિલો કરતા વધુ જથ્થામાં રંગ માટેનાં ઓર્ડર આવ્યા છે. પાછલા વર્ષની સરખામણીએ વધુ સારૂ વેચાણની આશા છે. તાલીમ મળ્યા બાદ રૂ. 5 હજાર જેટલું રોકાણ કરીને આ ઉદ્યમ શરૂ કરી શકાય છે. 10 કિલો કેસૂડામાંથી 700 ગ્રામ કલર બને છે.સખીમંડળની બહેનો જણાવે છે કે રંગ બનાવવા માટે કેસૂડાનાં ફૂલોમાંથી તેમની પાંદડીઓ અલગ કરે છે. બાદ ઉકાળીને ગાળીને પલ્પ બનાવી સૂકવવામાં આવે છે. તેની મેડિસીનલ પ્રોપર્ટીઝ જળવાઈ રહે તે માટે તેને એક દિવસ સૂર્યપ્રકાશમાં અને ત્યારબાદ થોડા દિવસ છાંયડામાં સૂકવે છે. તેનાં કાળા મૂળ જેવા ભાગને કાઢી નાંખી તેમાં હળદર ઉમેરી બારીક દળી, છાણીને રંગ તૈયાર થાય છે. 10 કિલો કેસૂડાનાં ફૂલોમાંથી 700 ગ્રામ કલર બને છે. જ્યારે પાલક, ગલગોટા, બીટ, ગુલાબને ક્રશ કરી તેમનાં પલ્પને સૂકવી દળીને રંગ બનાવે છે.
Home > Madhya Gujarat > Godhra > ગોધરામાં જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટરે ઓર્ગેનિક કલર્સનું વેચાણ કેન્દ્ર ખુલ્લું મૂક્યું.