બે વર્ષ બાદ રંગોનો તહેવાર જોવા મળશે રાજકોટમાં હોળી ધુળેટીના કારણે કલરમાં 25થી 30%નો ભાવ વધારો, સૌથી મોંઘી રૂ.1000ની પિચકારીનું આકર્ષણ.

Latest Rajkot

બે વર્ષ બાદ રંગોનો તહેવાર ઉજવવા રાજકોટીયન્સ આતુર બન્યા છે. ત્યારે રંગીલા રાજકોટવાસીઓની એક અનોખી તાસીર છે, તહેવાર કોઈ પણ હોય પરંતુ હર હંમેશ તેઓ તહેવારને મન ભરીને માણે છે. હોળી-ધુળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે બે વર્ષ બાદ રંગીલા રાજકોટની રંગીલી જનતા આ વર્ષે કોરોના હળવો થતા ધુળેટીના રંગે રંગાઇ જવાના મૂડમાં જોવા મળી રહી છે. તેમજ આ વર્ષે કલરમાં 25થી 30 ટકાનો ભાવ વધારો આવ્યો છે. તેમજ સૌથી મોંઘી રૂ.1000ની પિચકારીએ આકર્ષણ જમાવ્યું છે. કારણ કે આ પિચકારીમાં પાણી સાથે કલર મિક્સ થઇ રંગોની છોળો ઉડાડે છે. આ વર્ષે બજારમાં 10 રૂપિયાથી લઇ 1000 રૂપિયા સુધીની પિચકારી રાજકોટ બજારમાં વેચાઇ રહી છે, જેમાં એક પિચકારી નવી જોવા મળી છે, જેમાં કલર પણ સાથે ભરવામાં આવે છે અને કલર જ પાણી સાથે મિક્સ થઇ બહાર ઉડે છે. જેની કિંમત 1000 રૂપિયા છે. સાથે જ કલરમાં પણ 200થી લઇ 800 રૂપિયા કિલો સુધીના કલર બજારમાં વેચવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર વર્ષે પિચકારી કલરમાં 10થી 15%નો ભાવ વધારો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે 25થી 30%નો ભાવ વધારો કલર તેમજ પિચકારીમાં આવ્યો છે. આમ છતાં લોકો કલર પિચકારીની ખરીદી કરી તહેવારને મનાવવા માટે થનગની રહ્યા છે. રાજકોટ સદર બજારમાં વર્ષોથી રાજધાની સિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા અને સીઝનલ ધંધો કરતા વેપારી એ જણાવ્યું હતું કે, રાજકોટમાં આ વર્ષે લોકો લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. બે વર્ષથી ધુળેટીનો પર્વ લોકો માનવી શક્યા ન હતા પરંતુ આ વર્ષે લોકો દિલથી આ તહેવારને મનાવવાના છે એવું લાગી રહ્યું છે. વેપારીઓમાં પણ શરૂઆતમાં ડર હતો, જેના કારણે તેઓએ પણ માલની ઓછી ખરીદી કરી હતી. પરંતુ આજે ખરીદી વધતા દિવાળીની જેમ ધુળેટીના દિવસે દરેક વેપારીનો માલ વેચાઇ જશે તેવી પૂરી આશા અને વિશ્વાસ છે. રાજકોટની મુખ્ય એવી સદર બજાર કે જ્યાં દરેક સિઝન સ્ટોરમાં હોલસેલના વેપારીઓ વેપાર કરતા હોય છે. દિવાળી બાદ આ વર્ષે ધુળેટી પર્વ ઉપર પણ ઘરાકી સારી જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે લોકો પોતાનો પ્રિય ધુળેટી પર્વ મનાવી શક્યા નહોતા. પરંતુ આ વર્ષે નિયમો હળવા થતા લોકો પણ તહેવારને મન ભરીને માણવા આતુર હોય તેવું વેપારીઓ માની રહ્યા છે. ધંધાર્થીઓ સાથે શ્રમિક વર્ગ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે અનેક ધંધા-રોજગારને સીધી અને આડકતરી રીતે અસર પહોંચી છે ત્યારે હવે ફરી ધંધા રોજગાર ધીમેધીમે પાટે ચડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે કોરોનાના નિયમો હળવા થતા બે વર્ષ બાદ નાના-મોટા ધંધા સાથે સંકળાયેલા અનેક લોકોને રોજીરોટી મળવાની છે. જેને જોતા ક્યાંક ધંધાર્થીઓ સાથે મજૂર વર્ગ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. કારણ કે લાંબા સમય બાદ તેઓને પણ કામ કરવાની છૂટછાટ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *