રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા
અમરેલી જિલ્લામાં આજથી શરૂ થતાં કોવીડ વેક્સીનેશન ડ્રાઈવના ત્રીજા તબક્કા વિશે માહિતી આપતા જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી શરૂ થયેલ પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ તથા બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સિનેશન સફળતાપુર્વક કર્યા બાદ આજથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ તેમજ ૪૫ થી ૬૦ વર્ષ સુધીના કો-મોરબીડ કંડીશન એટલે કે જેઓ ડાયાબિટીસ, હાયપટેન્શન, હ્રદયરોગ વિગેરે જેવી બીમારીથી પીડાતા હોય એવા તમામ લાભાર્થીઓને સરકારી હોસ્પિટલ તેમજ જિલ્લાની ૬ ખાનગી હોસ્પિટલો ખાતે રસી આપવાની કામગીરી કરવામાં આવશે. જિલ્લાની ૬ ખાનગી હોસ્પિટલો જેમાં અમરેલીની રાધિકા હોસ્પિટલ, નવજીવન હોસ્પિટલ, માધવ હોસ્પીટલ તેમજ સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા રામાણી હોસ્પીટલ કુંકાવાવ અને કામળીયા હોસ્પીટલ બગસરાનો સમાવેશ થાય છે. આ ખાનગી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત એટલે કે રૂ. ૨૫૦/- ચૂકવવાના રહેશે. જ્યારે જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે રસી મેળવી શકાશે. કોવિડ પોર્ટલ મારફત ઓનલાઈન નોંધણી થયા બાદ રસીકરણ કરવામાં આવશે.
અમરેલી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જયેશ પટેલએ જણાવ્યું હતું કે વેકસીન માટે લાયક લાભાર્થીનો આરોગ્ય કર્મચારી મારફત અગાઉ સર્વે થયેલો હશે તેઓને આરોગ્ય કર્મચારી દ્વારા કયા દિવસે અને સ્થળે વેકસીન લઈ શકાય તેની લાયક લાભાર્થીને જાણ કરવામાં આવશે. લાભાર્થી સ્વેચ્છાએ કોવિડ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઈ શકશે અથવા રસીકરણ કેન્દ્ર ઉપર જઈને નોંધણી કરાવ્યા બાદ રસી લઈ શકાશે. આ નોંધણી માટે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ અથવા જન્મ તારીખનો આધાર દર્શાવતાં કોઈ એક ઓળખકાર્ડ તથા ૪૫ થી ૬૦ વર્ષનાં નકકી કરેલ ૨૦-બિમારીવાળા લાભાર્થીઓએ મેડીકલ પ્રેકટીશનરનું પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.