રિપોર્ટર- રાજેશ ભટ્ટ, તાલાલા ગીર
ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને ભારતીય કિસાન સંઘના અગ્રણી વચ્ચે યોજાયેલ બેઠકમાં તાલાલા વિસ્તારના ખેડૂત અગ્રણીઓની પ્રબળ માંગ. તાલાલા,ઉના,કોડીનાર,સુત્રાપાડા તાલુકાના ખેડૂતોને ટાઉન પ્લાનિંગની કામગીરી માટે જુનાગઢ જવું પડતું હોય,ગીર સોમનાથ જિલ્લાને અલગ ટી.પી.ઓ.કચેરી આપવા ગીર સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ એ માંગણી કરી છે. રાજ્યના સરકારના ખેડુતોના પ્રશ્નો સાંભળી તેનો સુખરૂપ નિવારણ લાવવા રાજ્ય સરકાર અને ભારતીય કિસાન સંઘના અગ્રણીની ગાંધીનગરમાં સંયુક્ત બેઠક યોજાઇ હતી,આ બેઠકમાં તાલાલા અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની રોજીંદી પ્રક્રિયામાં અવરોધરૂપ વિવિધ પ્રશ્નો અને સમસ્યાનો સુખરૂપ નિવારણ લાવવાની માંગણી સાથે કિસાન સંઘ સંગઠન અને સરકારના અલગ અલગ વિભાગોમાં ગીર સોમનાથ જિલ્લા કિસાન સંઘના પ્રમુખએ રજુઆતો કરી હતી,જેમાં ગીર સોમનાથ જીલ્લો અલગ થવા છતાં પણ જીલ્લાને અલગ ટી.પી.ઓ.કચેરી ફાળવી નથી માટે જીલ્લાના ખેડુતોએ ટાઉન પ્લાનિંગની કામગીરી માટે જુનાગઢ ખાતેની ટી.પી.ઓ.કચેરી જવું પડતું હોય,ગીર સોમનાથ જિલ્લાને અલગ ટી.પી.ઓ.કચેરી ફાળવવી જોઈએ. તાલાલા પંથક સહિત ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પેક હાઉસ બનાવવા માટે જે ડિઝાઇન આપવામાં આવી છે તે પ્રમાણે બનાવેલ પેક હાઉસમાં ઉનાળામાં માલ રાખવા માટે મુશ્કેલી પડતી હોય,પેક હાઉસમાં હવાનું સરકયુલેશન જળવાઈ રહે તે પ્રમાણે પેક હાઉસની ડિઝાઇન બનાવવા તથા પેક હાઉસ માટે ખેડુતોને આપવામાં આવતી સબસિડી અત્યારની મોંઘવારી ધ્યાને લઇ સબસિડી માં વધારો કરી આપવો જોઈએ. તાલાલા પંથક તથા ગીર સોમનાથ જિલ્લામાં ૨-નંબર અને ૬-નંબરની એન્ટ્રીની કામગીરી લાંબા સમયથી ઠપ્પ છે,પરીણામે ખેડુતોની વારસાઈ એન્ટ્રી પડતી નથી,જેથી જીલ્લાના ખેડુતોને પારાવાર મુશ્કેલી પડે છે,આ ઉપરાંત ખેડુતોની વારસાઈ પાડવા માટે જમીન માપણી કરાવવી જરૂરી છે પણ જમીન માપણી માટે ખેડૂતો અરજી કરે તો લાંબી પ્રતિક્ષા પછી પણ જમીન માપણી થતી નથી માટે ગીર સોમનાથ જિલ્લામાં જમીન માપણી કામગીરીમાં ઝડપી બનાવવા જરૂરી સ્ટાફનું પોસ્ટીંગ કરવા તથા ૨-નંબર તથા ૬-નંબરની નોંધ ની બંધ પડેલ કામગીરી શરૂ કરવા માંગણી કરી હતી. આ ઉપરાંત તાલાલા વિસ્તારના જંગલમાં આવેલ સેટલમેન્ટના ૧૪ ગામોને રેવન્યુમાં સમાવેશ કરી અલગ ગ્રામ પંચાયતો આપવા તથા સાસણ ગીર થી સતાધાર જતો માર્ગ પાકો બનાવી સ્થાનિક ખેડૂતો માટે ૨૪ કલાક ખુલ્લો રાખવા અને જામવાળા ગીરથી દલખાણીયા જતાં માર્ગ ઉપર નાલા-પુલ બનાવી પાકો પેવરથી બનાવવા સહિત તાલાલા,ઉના,કોડીનાર,ગીર, ગઢડા અને સૂત્રાપાડા વિસ્તારના ખેડૂતોના પ્રાણ પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ અને ગીર સોમનાથ જિલ્લા ઉપપ્રમુખ પણ જોડાયા હતા.