દિવાળી વેકેશન મોંઘું પડશે:ટૂર પેકેજ કરતાં હવાઇ સફર મોંઘી…

Latest

નવભારત હોલિડેના સંચાલક રોહિત ઠક્કરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે કોવિડના કિસ્સા ઓછા થયા બાદ પ્રવાસન ક્ષેત્રે સકારાત્મક વાતાવરણ જોવા મળશે તેવી આશા હતી. પરંતુ પરિસ્થિતિ અલગ જ જોવા મળી રહી છે, કારણ કે જે ટૂર પેકેજનું સાત દિવસનું ભાડું હોય છે, તેના કરતાં એર ટિકિટનો ભાવ ડબલ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો મૂંઝવણમાં મુકાયા છે કે મોંઘવારીના સમયમાં આ પ્રવાસ કેવી રીતે પોસાય!
દિવાળી તહેવારોના સમયમાં વેકેશન દરમિયાન બહાર ફરવા જનારા લોકો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થયું હોવાની સ્થિતિ ઊભી થઈ છે. તહેવારોની મોસમમાં ટૂરિસ્ટ પ્લેસ પર જવા માટે ફ્લાઇટની ટિકિટના ભાવ ટૂર પેકેજની કિંમત પણ વધારે થઈ ગઈ છે.જેને કારણે ટૂર ઓપરેટર પણ મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ ટ્રેન ટિકિટમાં વેઇટિંગ છે, તો બીજી તરફ ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. હાલ જમ્મુ-કાશ્મીરથી લઈ અંદામાન- નિકોબાર સહિતનાં સ્થળોનું પ્રતિ વ્યક્તિદીઠ 5થી 7 દિવસનું ટૂર પેકેજનો ચાર્જ 20થી 25 હજાર છે. તો એની સામે એક વ્યક્તિની રિટર્ન હવાઈ સફર માટેની ટિકિટનો ભાવ 30થી 40 હજાર રૂપિયા છે.દિવાળી વેકેશનમાં દિલ્હી, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ વગેરે સ્થાન પર લોકો જવાનું પસંદ કરી રહ્યા છે. જોકે હાલ કોરોનાની પરિસ્થિતિને જોતા મહારાષ્ટ્ર તથા સાઉથના રાજ્યોમાં લોકો વેકેશન પર જવાનું ટાળી રહ્યા છે. જોકે હાલ સ્થિતિ એવી ઉભી થઈ છે કે એક તરફ જ્યાં ટ્રેનોનું બુકિંગ ફૂલ છે અને ફ્લાઇટની ટિકિટના ભાડા ડબલ છે. જેના કારણે પૂછપરછ માટે આવતા લોકો ફ્લાઇટ ટિકિટના ભાડા સાંભળીને અન્ય રાજ્યમાં પ્રવાસનો વિચાર પડતો મૂકી રહ્યા છે અને ગુજરાતમાં જ કોઈ સારા સ્થળે એક કે બે દિવસના પ્રવાસનું આયોજન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *