સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે.
આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.