ગર્ભવતી મહિલા ને પ્રસવ પીડા થતા દોઢ કિમી ખાટલામાં ઊંચકી 108 સુધી લઈ જવાઇ..

Panchmahal

કાલોલ તાલુકાના મેદાપુર  : આઝાદીના ૭૫ વર્ષો સુધી ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સને જવાનો રસ્તો પણ નથી

કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતમાં આવેલા નમરા ફળિયામાં ગુરૂવારે સ્થાનિક એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. જે માટે ૧૦૮ એમ્બ્યુલન્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ ગામલોકોના દુર્ભાગ્યે નમરા ફળિયામાં એમ્બ્યુલન્સ જઇ શકે એવો કોઈ રસ્તો જ નહીં હોવાથી કટોકટીની પરિસ્થિતિમાં છેવટે ફળિયાના રહીશોએ પ્રસુતિની પીડા વેઠતી મહિલાને એક ખાટલામાં સુવડાવીને ચાર લોકોએ એ ખાટલો ઉંચકીને દોઢ કીમી દૂર ઉભેલી ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આમ આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવની ઉજવણી સાથે ગતિશીલ ગુજરાત અને વિકસિત ગુજરાતની વાતો કરતા કાલોલ તાલુકાના એક ગામમાં આપત્કાલીન સમયમાં એમ્બ્યુલન્સ પણ જઈ શકે એવો એક રસ્તો જ નહીં હોવાની અને એક પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને સારવાર માટે દોઢ કીમી સુધી એક ખાટલામાં ઉંચકીને રોડ સુધી પહોંચવું પડે તેવી દારુણ ઘટના પ્રકાશમાં આવતા વિકાસની વાતો કરતા કાલોલ તાલુકાના વિકાસ અધિકારીઓ અને નેતાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાના વિકાસના હાંસિયામાં રહી ગયેલું આ નમરા ફળિયું એ મેદાપુર પંચાયતમાં વોર્ડ નંબર ૧૦નો મતવિસ્તાર ગણાય છે. જે ફળિયામાં મોટા ભાગના આદીવાસી પ્રજાના ૭૦-૮૦ જેટલા કાચા મકાનો સાથે લગભગ ૫૦૦ જેટલી વસ્તી વસવાટ કરે છે, આ ફળિયું મેદાપુર પંચાયતમાં સમાવેશ એવા મેદાપુર રોડથી લગભગ એક કીમી અને જેતપુર રોડ પરથી દોઢ કીમી દૂર બન્ને વચ્ચે આવેલું છે તેમ છતાં પણ જેતપુર તરફ કે મેદાપુર તરફ જવા આવવાનો રસ્તો એ માત્ર કેનાલ, ગાડાવાટ અને પગદંડીનો જ વિકલ્પ ધરાવે છે. આમ આઝાદીના ૭૫ વર્ષ પછી મેદાપુર પંચાયતમાં આવેલું એક નાનું ગામ વિકાસથી વંચિત રહી જવા માટે જવાબદાર કોણ એ મોટો સવાલ ઉભો થયો છે,

જેને માટે ભ્રષ્ટાચાર અને રાજકીય કાવાદાવાઓથી ભરેલી ઘાસની ગાંસડીમાંથી સોઈ શોધવા જેવી આ દારુણ ગણવી કે કરુણ સમજવી એવી ઘટના પ્રકાશમાં આવતા રાજકીય અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જતા તંત્રની હાલત ઢાંકણીમાં પાણી શોધવા જેવી બની જવા પામી છે.

Editor / Owner : Dharmesh Vinubhai Panchal

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA

*વધુ સમાચાર અને અપડેટ્સ જોવા અમારી ચેનલ ને લાઈક… શેર.. અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *