કાલોલ તાલુકાના કાનોડ ગામના ભુપેન્દ્રસિંહ ચૌહાણ પાછલા પંદર વર્ષોથી સીઆરપીએફમાં જોડાઈને સીઆરપીએફના એક કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ ફરજ દરમ્યાન ગંભીર બીમારીનો ભોગ બનતા સીઆરપીએફ દ્વારા તેમને વધુ સારવાર અર્થે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં પાછલા આઠ મહિનાથી સારવાર આપવામાં આવતી હતી. જ્યાં તેમના પરિવારજનોને પણ તેડાવ્યા હતા. તેમ છતાં દુર્ભાગ્યે આઠ મહિનાની સારવારને અંતે કમાન્ડો જવાનનું એઈમ્સ હોસ્પિટલમાં અવસાન થતાં સીઆરપીએફની એક ટીમ દ્વારા તેમના પરિવારજનો સાથે મૃતક જવાન પાર્થિવ દેહને તિરંગાના સન્માન સાથે મંગળવારે સાંજે દિલ્હીથી માદરે વતન કાનોડ ગામે પહોંચાડવામાંઆવ્યા હતા. દેશની સુરક્ષા માટે સીઆરપીએફમાં જોડાયેલા અને ત્રણ પુત્રીઓ સહિત ચાર સંતાનો ધરાવતા ગામના કમાન્ડો જવાનના કરુણ મોતને પગલે કાનોડ ગામ શોકાતુર બની જવા પામ્યું હતું. જેથી પોતાના ગામના કમાન્ડો જવાનનું ફરજ દરમ્યાન કોઈ બિમારીનો ભોગ બનેલા જાંબાઝ જવાન પ્રત્યે અપાર સ્નેહ અને સન્માન ધરાવી ગ્રામજનોએ તિરંગા સાથે બુધવારે મોડી સાંજે સીઆરપીએફની પ્રણાલી મુજબ વીર કમાન્ડો જવાન ભુપેન્દ્રસિંહ ચૌહાણને સીઆરપીએફના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.