રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લામાં આંગણવાડીના લાભાર્થીઓને કરાયું શાકભાજીનું વિતરણ
હાલ કોરોના વાયરસ કોવીડ ૧૯ ના સંક્રમણની મહામારી ચાલી રહી છે. લોકડાઉનના કારણે જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રાખવા આદેશ કરવામાં આવેલ છે. ત્યારે લોકડાઉનના અમલ વચ્ચે જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિન્સી વિલીયમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અને જિલ્લા આઇસીડીએસ પ્રોગામ ઓફિસર શ્રીમતી હેમાંગીબેન ચૌધરીના પ્રયત્ન થકી નર્મદા જિલ્લાની કુલ ૧૫૨ આંગણવાડી કિચન ગાર્ડનમાંથી આંગણવાડીના લાભાર્થીઓને શાકભાજીનું વિતરણ કરાયું હતું.
નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લાને એક મહત્વકાંક્ષી જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લાનાં મહત્વના ઇન્ડીકેટર્સનું સઘન મોનિટરીંગ કરવામાં આવે છે તે પૈકી પોષણ પણ એક મહત્વનું ઇન્ડીકેટર છે ત્યારે, જિલ્લાનાં બાળકોમાં કુપોષણના પ્રમાણને નિવારવા માટે જિલ્લાની કુલ ૧૫૨ આંગણવાડી કેન્દ્રોમાંથી એપ્રિલ, ૨૦૨૦ માસ દરમિયાન કુલ ૧૪૧૧ કુપોષિત બાળકો, ૫૩૭ સગર્ભા માતાઓ, ૪૮૭ ધાત્રી માતાઓ અને ૨૨૨૭ કિશોરીઓને લોકડાઉનન દરમિયાન રીંગણ, ચોળી, ગુવાર, પાલક, દુધી , ટામેટા વગેરે જેવી લીલા શાકભાજી વિના મુલ્યે લાભાર્થીઓના ઘરે ઘરે જઇને પુરી પાડવામાં આવી છે તેની સાથોસાથ વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવા અને સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું અને આંગણવાડી કેન્દ્રમાંથી અપાતા ટી.એચ.આરનો સમયસર અને યોગ્ય ઉપયોગ કરવા લાભાર્થીઓને તે અંગેની માહિતી આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રસંગે નર્મદા જિલ્લા આઇસીડીએસ પ્રોગામ ઓફિસર શ્રીમતી હેમાંગીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) સંક્રમણની મહામારી ચાલી રહી છે, ત્યારે જિલ્લાનાં કુપોષિત બાળકો તેમજ અન્ય લાભાર્થીઓને ૧૫૨ આંગણવાડી કેન્દ્ર કિચન ગાર્ડનમાંથી લીલા શાકભાજી પુરા પાડવામાં આવ્યા છે તે લાભાર્થીઓને ઉપયોગી બન્યા હોવાનું અને આ કામીગીરીથી ખુશ હોવાનું તેમણે જણાવ્યું હતુ.
સાગબારા તાલુકાના નેવડીઆંબા ગામના સગર્ભા માતા શ્રીમતી ગંગાબેન લક્ષ્મણભાઇ વસાવા જણાવે છે કે, મારા ઘરે જ્યારે આંગણવાડી બેન મુલાકાત કરવા આવ્યા ત્યારે એમને અમારા ઘરની પરિસ્થિતિ જોઇ આ લોકડાઉન દરમિયાન અમારા ગામમાં શાકભાજી મળવી મુશ્કેલ હતી તેવા કપરા સમયે ઘરે જ્યારે આંગણવાડી બેન દ્વારા કિચન ગાર્ડનમાંથી ગુવાર, ભીંડા, રીંગણ અને દુધી જેવી લીલી શાકભાજી આપવામાં આવી અને અમારા પોષણની ચિંતા વ્યક્ત કરવામાં આવી તે બદલ હું સરકારનો આભાર માનું છું.
નાંદોદ તાલુકાના રીંગણી ગામની કિશોરી ગુંજનબેન મનુભાઇ વસાવા જણાવે છે કે, લોકડાઉનના લીધે અમે બહાર કામ પર જઇ શકતા ન હોવાથી અમારી આવક ખુબ જ ઓછી થઇ છે તેમજ ઘરે પુરતા શાકભાજી પણ ઉપલબ્ધ નથી આવા કપરા સમયે આંગણવાડી કાર્યકર દ્વારા કિચન ગાર્ડનમાંથી લીલા શાકભાજી જેવા કે, સરગવો, પાલક અને રીંગણ આપવામાં અને અમારા પોષણનું ધ્યાન રાખ્યું તે બદલ હું તેમનો આભાર માનું છુ.