થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પંચમહાલના મોરવાહડફ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, ગાંધીનગર, છોટાઉદેપુર, ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં 120 મિ.મી, જુલાઈમાં 177 મિ.મી અને ઓગસ્ટમાં 54 મિ.મી મળીને કુલ 352 મિ.મી વરસાદ થયો છે. ગુજરાતમાં થતાં 840 મિ.મી વરસાદની સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે.
હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળ ની પરિસ્થી ઉભી થઈ શકે છે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે. જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીની પણ તંગી ઉભી થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની ભિતી છે. બીજી તરફ, હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.