રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
દેશ સેવામાં અવિરત ૩૦ વર્ષ સુધી પોતાની પ્રશંસનીય સેવા આપનાર INS વિરાટને આખરી સલામી અને સન્માન આપવા અલંગ ખાતે કેન્દ્રિય શિપિંગમંત્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થેન્ક યુ વિરાટ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યુ હતું કે આપણે એ ધરાના લોકો છીએ કે જેમણે સદીઓ સુધી સમુદ્ર પર રાજ કર્યું અને સમગ્ર વિશ્વમાં એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. પાંચ હજાર વર્ષ જૂની લોથલ, હડપ્પા અને ધોળાવીરાની સંસ્કૃતિ આ બાબતની સાક્ષી પૂરે છે. મગધ, ચાલુક્ય અને પાંડીયન સામ્રાજ્યમાં પણ સમગ્ર વિશ્વમાં ભારતનો દબદબો અને વેપાર ટોચ પર હતો. શિવાજી મહારાજની વિશ્વ વિખ્યાત નૌ સેના પણ ગુજરાતમાં હતી. વર્ષો પહેલા સુરત ખાતે જહાજોનું નિર્માણ થતું. જેને ખરીદવા સમગ્ર વિશ્વના દેશો ભારત આવતા. પરંતુ બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવેલ પ્રતિબંધોને કારણે સમયાંતરે તે ઉદ્યોગ ઘટી ગયો ત્યારે શિપિંગ ઉદ્યોગમાં ભારતનો આ દબદબો ફરી કાયમ કરવા નરેન્દ્રભાઈ મોદીની સરકાર પ્રયત્નશીલ છે. આપણી સદીઓ પુરાણી ભવ્ય સભ્યતાને વૈશ્વિક સ્તરે હરિ ઉજાગર કરવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બિંડુ ઝડપ્યું છે. જેના ભાગરૂપે આગામી સમયમાં લોથલ ખાતે હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. જ્યાં ૫,૦૦૦ વર્ષ જૂનું લોથલ નગર તેની પ્રાચીન સંસ્કૃતિ સાથે ઉભું કરવામાં આવશે. આ લોથલ હેરિટેજ કોમ્પ્લેક્ષ સમગ્ર વિશ્વને ભાતરની ભવ્ય સભ્યતાનો પરિચય કરાવશે.
INS વિરાટ અંગે મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે વિરાટની છેલ્લી સફરના અને વિરાટની ભારતીય નૌસેનામાં અદમ્ય સેવા બન્નેને કેન્દ્રમાં રાખતા આજનો દિવસ ખુશીની સાથે સાથે દુઃખનો પણ છે. વિરાટે ભારતની નૌસેનામાં ૧૧ લાખ કિ.મી.ની સફર કરી છે. જે સમગ્ર પૃથ્વીને ૨૭ વખત ચક્કર લગાવવા સમાન છે. વિરાટ એ દેશની આન, બાન અને શાન છે. વિરાટને મ્યુઝીયમ તરીકે વિકસાવવાની બાબત પણ સરકાર દ્વારા વિચારણા હેઠળ હતી. જેના માટે સ્પેશ્યલ ડોકયાર્ડ તેમજ તમામ ખર્ચ કરવાની પણ સરકારની તૈયારી હતી. પરંતુ એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં જણાવાયું કે વિરાટની સ્થિતિ મ્યુઝીયમ બનાવવા જેટલી સક્ષમ ન હતી. જેના કારણે ભવિષ્યમાં અકસ્માત સર્જાય તેવી પણ સંભાવના હતી. આથી મજબુરી વશ સરકારે આ નિર્ણય લેવો પડ્યો. પરંતુ ભવિષ્યમાં આવી વિરાસત સચવાય તે માટેના ચોક્કસ પ્રયત્નો આગામી સમયમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે.