અમેરિકાએ શનિવારે દાવો કર્યો કે કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ કરનારા ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાનના મુખ્ય ભેજાબાજનો ડ્રોન હુમલામાં સફાયો કરી દેવાયો છે. આ જ ગ્રૂપે કાબુલ એરપોર્ટ પર હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત 170 લોકોની હત્યા કરી હતી. અમેરિકાનું રીપર ડ્રોન મિડલ ઈસ્ટના કોઈ ગુપ્ત સ્થળેથી લોન્ચ થયું અને તેણે અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં એક કારને નિશાન બનાવી. આ કારમાં જ ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાન ગ્રૂપના ષડયંત્રકારીઓ હતા.
મિલિટરી ટેકનોલોજીના એડવાન્સમેન્ટની સાથે જ ડ્રોનનો ઉપયોગ દુશ્મનને નષ્ટ કરવામાં પણ થવા લાગ્યો. 1999ના કોસોવો વૉરમાં સર્બિયાના સૈનિકોના ગુપ્ત સ્થળોની ભાળ મેળવવા માટે પ્રથમવાર સર્વેલન્સ ડ્રોનનો ઉપયોગ થયો હતો. 2001માં અમેરિકા 9/11ના હુમલા પછી ડ્રોન હથિયારોથી સજ્જ થયું છે. તેના પછી તો એ જાણે સૌથી એડવાન્સ હથિયાર તરીકે વિકસિત થઈ રહ્યા છે.
આવું પ્રથમવાર બન્યું નથી જ્યારે અમેરિકી ડ્રોને આતંકી સ્થળોને તબાહ કર્યા હોય. આ પહેલા પણ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક, સિરિયા સહિત અનેક વિસ્તારોમાં ડ્રોનથી આતંકીઓને નિશાન બનાવાયા છે. અમેરિકા જ નહીં પણ તુર્કી, ચીન અને ઈઝરાયેલ પણ મોટી સંખ્યામાં એવા ડ્રોન બનાવી રહ્યા છે. જેઓ અનેક કિ.મી દૂરથી દુશ્મનને નિશાન બનાવી ઠેકાણે પાડી શકે છે.