બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીએ અધ્યક્ષ નરેશભાઇ પટેલ(ધારાસભ્ય- ગણદેવી)ની આગેવાનીમાં સરદાર પ્રતિમાં અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટની મુલાકાત લઇને લોખંડી પુરુષ સરદાર વલ્લ્ભભાઇ પટેલને ભાવાંજલી આપી હતી. સમિતીના અધ્યક્ષ નરેશભાઇ પટેલે સરદાર પટેલે આજાદી અપાવવામાં અને અખંડ ભારતના નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરી આજની પેઢી માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સમિતીની મુલાકાત દરમ્યાન અધ્યક્ષ નરેશભાઇ પટેલ(ધારાસભ્ય- ગણદેવી) અભેસિંહભાઇ તડવી (ધારાસભ્ય- સંખેડા),સુનિલ ગામીત (ધારાસભ્ય- નિઝર), વિજય પટેલ (ધારાસભ્ય- ડાંગ), અરવિંદભાઇ પટેલ (ધારાસભ્ય- ધરમપુર), જીતુભાઇ ચૌધરી (ધારાસભ્ય- કપરાડા) અને સમિતીના ઉપસચિવ વી.એમ.રાઠોડ,જીલ્લા આશ્રમશાળા અધિકારી ગરાસીયા સહિતનાં અધિકારીઓ જોડાયા હતા.
સમિતીની મુલાકાત દરમ્યાન અધ્યક્ષ નરેશભાઇ પટેલે પોતાનાં પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને હું લાખ લાખ અભિનંદન આપુ છુ,ખુબ ઉંચી વ્યક્તિ માટે ખુબ ઉંચા વિચારો સાથે ૧૮૨ મિટરની ઉંચાઇ ધરાવતી પ્રતિમાની મુલાકાત લઇને ગુજરાતી તરીકે ગર્વ થાય છે અને સરદાર પટેલને નમન કરૂ છુ.