કાબુલમાં ફસાયેલા લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે કે રસ્તા પર કોઈ કાર જોતાં જ તેઓ પોતાના ઘરમાં બાથરૂમમાં પુરાઈ જાય છે. તેઓ ઘરોની લાઈટ અને મોબાઈલ ફોન બંધ કરીને પોતાને બાથરૂમમાં બંધ કરી દે છે. બાળકોનો અવાજ ન સાંભળાય એટલા માટે તેઓ પોતાના બાળકના મોં પર કપડું બાંધી દે છે.અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પર અફરાતફરી સર્જાયેલી છે. તમામ દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં વ્યસ્ત છે, તેથી અફઘાનો પણ તાલિબાનના ડરને કારણે દેશ છોડવા માગે છે. 85 ભારતીયોને લઈને એરફોર્સના વિમાને કાબુલથી ઉડાન ભરી છે.અફઘાનિસ્તાનમાં તમામ દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં વ્યસ્ત છે.
ભારતે પોતાના લોકોને બહાર કાઢવા માટે એરફોર્સના ગ્લોબમાસ્ટર C-17ને સ્ટેન્ડબાય પર પણ મૂકી દીધું છે, એને ગમે ત્યારે કાબુલ મોકલવામાં આવી શકાય છે.આ વિમાન દ્વારા 250 લોકો ભારત પરત આવે તેવી અપેક્ષા છે, પરંતુ એ જોવાનું બાકી છે કે કેટલા લોકો કાબુલ એરપોર્ટ પર પહોંચી શકે છે, કારણ કે એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર તાલિબાનો ઊભા રહ્યા છે. જોકે તાલિબાન પણ દાવો કરી રહ્યા છે કે તે અન્ય દેશોના લોકોને બહાર જતા અટકાવશે નહીં.અફઘાનિસ્તાનના સંરક્ષણમંત્રી જનરલ બિસ્મિલ્લાહ મોહમ્મદે પણ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તાલિબાનને પુલ-એ-હિસાર, બાનુ અને દેહ-એ-સલાહમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. બિસ્મિલ્લાહ મોહમ્મદ અશરફ ગનીની સરકારમાં સંરક્ષણમંત્રી હતા.