ગુજરાત હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહી ગઈ કાલે પુરવાર થઈ.

Latest

વરસાદે તારાજીનો મૂડ પકડી લીધો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ઍક્ટિવ થયેલી મૉન્સૂન સિસ્ટમે રાજકોટ, જામનગર, મહેસાણા, પંચમહાલ અને સુરત જિલ્લામાં ૭થી ૧૮ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો; જ્યારે ગુજરાતના ૨૪૦ તાલુકામાં વરસાદની અસર વર્તાઈ હતી. ગઈ કાલે દિવસ દરમ્યાન ગુજરાતમાં ક્યાંય સૂર્ય દેખાયો નહતો. આખો દિવસ ઝરમર વરસતા વરસાદ વચ્ચે જીવનનિર્વાહ ચાલ્યો હતો.જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રવિવાર રાતથી ગઈ કાલે સાંજ સુધી ૧૮ ઇંચ વરસાદ પડતાં સડોદર ગામ ટાપુમાં ફેરવાઈ ગયું હતું. ગઈ કાલે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું જોર અકબંધ હતું. ગિરનારના ઉપરવાસમાં વધુ ૬ ઇંચ વરસાદ પડતાં ૨૪ કલાકમાં ગિરનાર ઉપરવાસમાં ૧૦ ઇંચના આંકને વરસાદ આંબી ગયો હતો, જ્યારે રાજકોટમાં વધુ પાંચ ઇંચ વરસાદ પડતાં ૩૬ કલાકમાં ૯ ઇંચ વરસાદ પડી ગયો હતો.
ગુજરાત હવામાન વિભાગની આગાહી હજી પણ અકબંધ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૭૨ કલાકમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. ગઈ કાલે પડેલા વરસાદ સાથે ગુજરાતમાં સીઝનનો ૩૮.૪૦ ટકા વરસાદ પૂરો થયો હતો. વરસાદની જે ઝડપ છે એને જોતાં અનુમાન મૂકવામાં આવે છે કે આ વર્ષે ૧૨૫ ટકાથી પણ વધુ વરસાદ પડશે.
સડોદરમાં ૧૮ ઇંચ વરસાદ
ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર અકબંધ રહ્યું હતું. વલસાડ, વાપી અને નવસારીમાં એકથી સાડાચાર ઇંચ વરસાદ પડ્યો હતો, તો વડોદરા અને દાહોદ જિલ્લામાં બેથી છ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ ગઈ કાલે વરસાદનું જોર અકબંધ રહ્યું હતું. અમદાવાદ, મહેસાણા અને બનાસકાંઠામાં ગઈ કાલે દોઢથી છ ઇંચ વરસાદ પડ્યો હતો.એકધારા વરસાદને લીધે ગુજરાત સાથે જોડાયેલા રેલવે, બસ અને વિમાનને પણ સીધી અસર થઈ છે. ગુજરાત સાથે જોડાયેલી ટ્રેન દોઢથી ચાર કલાક લેટ હતી, તો બસ એકથી ચાર કલાક અને ફ્લાઇટ બેથી ત્રણ કલાક લેટ પડી હતી. હજી પણ વધુ વરસાદની સંભાવના હોવાને લીધે ગુજરાત સરકારે અકારણ ટ્રાવેલિંગ ન કરવાની સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *