રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસના લીધે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે સંક્રમણ ને અટકાવવા માટે રાજય સરકાર તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરાના સંક્રમણને રોકવા માટે ચહેરા પર બાંધવા માટેના માસ્ક અસરકારક સાબિત થયા છે જે અન્વયે રાજપીપલાની જીતનગર જેલના પાકા કામના બંદીવાન દિનેશભાઇ ચતુરભાઇ રાવલીયા દ્વારા જેલમાં જ માસ્ક બનાવવાની કામગીરી કરી રહ્યા છે. એક દિવસમાં અંદાજે ૨૦ થી ૨૫ જેટલાં માસ્ક બનાવવામાં આવે છે. અત્યાર સુધી અંદાજે ૩૫૦ જેટલા માસ્ક બનાવીને દેશસેવાના કાર્યમાં સહભાગી બન્યા છે. આ માસ્ક જિલ્લાના બંદીવાનો તેમજ જેલના સ્ટાફને વિનામૂલ્યે પુરા પાડવામાં આવ્યા છે.
જિલ્લા જેલના અધિક્ષક એલ.એમ.ગામારાએ જણાવ્યું હતું કે, હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની મહામારી ચાલી રહી છે, ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે ત્યારે આ બંદીવાન દ્વારા માસ્ક બનાવવામાં આવે છે તેમજ જિલ્લાના તમામ બંદીવાન અને સ્ટાફને માસ્ક વિના મુલ્યે પુરા પાડવામાં આવ્યા છે. માસ્ક બનાવીને આ બંદીવાને સમાજ સેવા અને દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
જિલ્લા જેલના પાકા કામના બંદીવાન દિનેશભાઇ ચતુરભાઇ રાવલીયાએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં નોવેલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે માસ્ક હોવું ખૂબ જ જરૂરી છે ત્યારે મને એમ થયું કે લાવ હું પણ આ દેશ સેવાના કાર્યમાં સહભાગી બનવા માટે માસ્ક બનાવવું. હું રોજના ૨૦ થી ૨૫ માસ્ક બનાવું છું, અત્યાર સુધી અંદાજે ૩૫૦ જેટલા માસ્ક બનાવ્યા છે.જેલના સ્ટાફને વિના મુલ્યે માસ્ક પુરા પાડવામાં આવ્યા છે. જિલ્લા જેલના અધિક્ષક.ગામારાના માર્ગદર્શન હેઠળ માસ્ક બનાવવાની કામગીરી કરી રહ્યો છું. માસ્ક બનાવવાની કામગીરીથી અંત્યત ખુશ હોવાનું તેમણે જણાવ્યું હતું.