કોરોનાનો ભય હવે સમગ્ર સુરત શહેરમાં ફેલાઈ ગયો છે. જે રીતે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે. તેને લઈને સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ ગયું છે. પરપ્રાંતિયો તેમના પરિવારના સભ્યો સાથે ધરવખરી લઈને યુપી-બિહાર તરફ જવાનું ધીરે-ધીરે શરૂ કર્યું છે. જેને પગલે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ હિજરત કરતા લોકોને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સુરતમાં છેલ્લા 20 દિવસમાં જે રીતે કોરોના નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેના કારણે લોકડાઉન કરવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. રાત્રે કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ડાયમંડ અને ટેકસટાઇલ માર્કેટ અને શોપિંગ મોલો શનિવારે અને રવિવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યમાં સ્થિતિને ગંભીર બતાવી રહી છે. ત્યારે પરપ્રાંતિય લોકોને લાગે છે કે, સરકાર એકાએક લોકડાઉન જાહેર કરી શકે છે. અને તેવા સમયમાં રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાય શકે છે.