રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
પશ્ચિમ રેલવે દ્વારા આગામી તારીખ ૨૩મી ફેબ્રુઆરી થી ટ્રેન નં ૦૯૨૧૮ વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ત્યારે કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવામાં ન આવતાં વિરોધ ઉઠયો છે. પશ્ર્ચિમ રેલવે જનરલ મેનેજર મુંબઈ અને ડિવિઝનલ મેનેજર ભાવનગરને કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કરી ટ્રેન નં ૦૯૨૧૮ વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનને કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા માંગણી કરી છે. વધુમાં જણાવ્યું હતું કે ભાવનગર ડિવિઝન હેઠળનાં કેશોદ રેલ્વે સ્ટેશન આવકની દ્રષ્ટિએ સૌથી વધારે છે ઉપરાંત કેશોદ, વંથલી, માંગરોળ, મેંદરડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના મુસાફરો માટે સુવિધાસભર ટ્રેન છે જેથી કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવાથી વધું પ્રમાણમાં મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્વીનર રાજુભાઈ પંડ્યાએ અંતમાં ચિમકી ઉચ્ચારી જણાવ્યું છે કે રેલ્વે અધિકારીઓ દ્વારા ટ્રેન નં ૦૯૨૧૮ વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનને કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવશે નહીં તો આંદોલન શરૂ કરવામાં આવશે. પોરબંદરનાં સાંસદ અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને પણ લેખિતમાં રજૂઆત કરી છે.