રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ નગરના નગરપાલિકાના વોર્ડ નંબર ૭ એ ૧૯૯૯ થી એટલે કે છેલ્લી ચાર ટર્મ થી ભાજપનો ગઢ બની રહ્યો હતો .આ ભાજપના ગઢ સમાન વોર્ડમાં છેલ્લા ૨૦ વર્ષથી ભાજપના પાયાના કાર્યકરો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભાજપને સતત જીત અપાવતા રહ્યા હતા.આ વોડૅમાં જુદા જુદા સમાજમાંથી સક્રિય કાર્યકરોએ ભાજપને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું અને દરેક ચૂંટણીમાં જેમકે નગરપાલિકા ,વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં સતત ભાજપને મોટી લીડ આપી હતી. જેના કારણે ભૂતકાળમાં પણ ભાજપના ધારાસભ્યો આ વોડૅમાંથી જંગી લીડ મેળવી વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતીથી જીતતા આવ્યા હતા. પરંતુ તાજેતરમાં ડભોઇ નગરમાં મોટી રાજકીય ગેઈમ રમાઈ રહી હોવાથી આ વોડૅમાંથી ભાજપના પાયાના કાર્યકરોની બાદબાકી થઇ હોવાથી ભારતીય જનતા પક્ષના પાયાના કાર્યકર અને સમાજસેવક, શિક્ષણના વિદ્વાન એવા એચ.વી.શાહ તેમજ ભારતીય જનતા પક્ષના અન્ય કાર્યકરો જેવાકે વૈદેહી જૈન, હિરેન શાહ ( મહુડી) તેમજ ધનરાજભાઇ નીકવાણી જેવા કાર્યકરો એ પોતાને ભાજપાની ટિકીટ ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી અને આ અગ્રણીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેના પરિણામે વોડૅ નંબર ૭માં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. જાણવા મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીએ પણ પોતાના બે ઉમેદવારો આ વોડૅમાં ઊભા રાખ્યા છે સાથે સાથે કોંગ્રેસે પણ આ વોડૅ માંથી પોતાનનો ૧ ઉમેદવાર ઉભો રાખ્યો છે. આમ હાલના તબક્કે આ વોડૅના રાજકીય સમીકરણો બદલાઈ જવા પામ્યા છે. જેથી આ વોડૅનુ રાજકીય ગણિત વિસ્મય પમાડે તેવું બની ગયું હોવાથી હાલના તબક્કે આ વોડૅના પરિણામો આશ્ચર્યકારક આવશે એવું હાલનું વાતાવરણ જોતા લાગી રહ્યું છે. આ વોડૅની ચૂંટણીમાં આગામી સમયમાં કેટલા ઉમેદવારો સ્પર્ધામાં રહે છે તેના આધારે જ પરિણામોના ગણિત મંડાશે અને એ તો આવનારો સમય બતાવશે.