રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષોના 204 જેટલા ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે, જ્યારે ભાજપમાંથી અમુકને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તાલુકામાં પ્રથમ વખત માતરિયા વ્યાસની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી કરતા આ વખતની ચૂંટણી રસાકસી બની રહે તો નવાઈ નહીં.
શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં ૧૧૨, જિલ્લા પંચાયતમાં ૨૩ અને નગરપાલિકામાં ૬૯ મળીને કુલ ૨૦૪ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા,જેમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વખતની ચુંટણીમાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે, તાલુકામાં ૨૧૩ જેટલા મતદાન મથકો પર સ્ત્રી-૮૯૩૫૨ જ્યારે પુરૂષ-૯૪૭૩૮ મળી કુલ ૧,૮૪,૦૯૦ જેટલા મતદારો છે જ્યારે નગરપાલિકામાં પુરૂષ મતદારો ૮,૪૧૯ અને સ્ત્રી મતદારો ૭,૭૩૫ મળી કુલ ૧૬,૧૫૪ મતદારો આ વખતની ચુંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરનાર છે, પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ન હોવાથી ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામનાર છે, ત્યારે ઉમેદવારો પોતે બિનહરીફ થાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે,ત્યારે મતદારો પણ આ વખતની ચૂંટણીમાં કયા ઉમેદવાર પર પોતાનો પસંદગીનો કળશ ઢોળશે તે જોવું જ રહ્યું છે. ભાજપ દ્વારા આ વખતની ચુંટણીમાં શિક્ષિત અને યુવા ઉમેદવારોને ટિકિટ આપતા યુવાનોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો, હવે જોવું બની રહ્યું કે કોંગ્રેસ આ વખતની ચુંટણીમાં ભાજપ સામે કેટલી મજબૂતાઇ થી ચુંટણી લડશે.
માજી નગરપાલિકાના પ્રમુખ પ્રેમલતાબેન પાઠકના પુત્ર સુરેશ પાઠકએ ભાજપની સામે જ અપક્ષમાં ઉમેદવારી કરીને જીત પાકી હોવાનુ જણાવ્યુ હતુ. આ જ રીતે ભાજપની મહિલા સક્રીય કાર્યકર સુશીલાબેન મગનલાલ મારવાડીને ટીકીટ ભાજપમાંથી નહી મળતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી શહેરા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ૩૯ ફોર્મ ભરવામાં આવ્યા છે, આ વખતે ભાજપ અને અપક્ષ વચ્ચે જંગ જામશે. વૉર્ડ નંબર-૨ માં પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠકના પુત્ર શ્વેતકુમારને મેન્ડેટ અપાયું હતું અને તેઓએ ફોર્મ ભર્યું હતું,પરંતુ તેઓ એ કોઈ અંગત કારણ હોવાથી તેમને ચુંટણી લડવા અસંમતિ દર્શવતા પાર્ટી દ્વારા મેન્ડેટ બદલીને વોર્ડ નંબર-૨માં વિવેક પંચાલને મેન્ડેટ અપાયું છે.