રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકાના બામરોલી ગામના BSFના જવાનનું ફરજ દરમિયાન ચક્કર આવતા મોત થયા બાદ ગુરૂવારની મોડી રાત્રિએ તેઓના પાર્થિવદેહને માદરે વતન બામરોલી ખાતે લવાયો હતો,દેશભકિતના ગીતો સાથે રમેશભાઈ તુમ અમર રહો, ભારત માતા કી જય ના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી.
શહેરા તાલુકાના બામરોલી ગામના બરજોડ ફળિયામાં રહેતા રમેશચંદ્ર લક્ષ્મણભાઈ બરજોડ અંદાજે છેલ્લા ૨૧ વર્ષથી બી.એસ.એફ ની ૩૭ બટાલીયનમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે ફરજ બજાવી રહ્યા હતા,જેઓ એક મહિના પહેલા સામાજિક કામ અર્થે પોતાના વતન બામરોલી ખાતે આવ્યા હતા અને રજા પુરી થતા જવાન રમેશચંદ્ર બુધવારે ફરજ પર હાજર થયા હતા. જ્યાં પરેડ દરમિયાન તેઓને અચાનક ચક્કર આવતા તેઓ નીચે પડી જતા ત્યાં હાજર જવાનોએ તેઓને સારવાર અર્થે ખસેડયા હતા,પરંતુ તબીબે જવાન રમેશચંદ્રનું મોત થયાનું જાહેર કર્યું હતું.જેની જાણ તેઓના પરિવારજનોને થતાં ઘેરાશોકની લાગણી છવાઈ હતી,અને BSFના જવાન રમેશચંદ્રના પાર્થિવદેહ લેવા માટે પરિવારજનો દાંતીવાડા ખાતે પહોંચ્યા હતા. ગુરૂવારની રાત્રિના ૧૨ વાગ્યાના સુમારે જવાન રમેશચંદ્રનો પાર્થિવદેહ શહેરા ખાતે આવી પહોંચતા શહેરાના રિલાયન્સ પેટ્રોલ પંપથી ડી.જે. સાથે BSFના જવાનના પાર્થિવદેહને બામરોલી ગામ ખાતે લઈ જવાયો હતો જેમાં બાઈક રેલી સ્વરૂપે શહેરા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શુક્રવારના રોજ દેશભકિતના ગીતો સાથે રમેશભાઈ તુમ અમર રહો, ભારત માતા કી જય ના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી. સ્મશાન ખાતે બી.એસ.એફ જવાન રમેશચંદ્રને ૩૭ બટાલીયનના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.આમ રમેશચંદ્ર બરજોડની અંતિમ વિદાય સમયે દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતુ.