રાજ્યની ૨૦૦૦ કરતા વધુ ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુનું રાજ્યવ્યાપી લોન્ચિંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં પણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ડિજિટલ સેવાસેતુ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વન ડે ગર્વનન્સની સેવાઓ લોકોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના સફળ પ્રયાસ અંતર્ગત ઓફલાઇન સેવાસેતુના પાંચ તબક્કા બાદ કોરોના કટોકટીને ધ્યાનમાં લઈને ડિજિટલ સેવાસેતુની શરૂઆત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શરૂઆતના તબક્કે ૨૨ સુવિધાઓ ભારતનેટ કનેક્ટિવિટી હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં પંચમહાલ જિલ્લાના ૬૨ ગામોમાં આ સુવિધા કાર્યરત કરાઈ છે. અને આગામી સમયમાં જિલ્લાના બાકી રહેલા ગામોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ સેવાઓની સંખ્યા પણ વધારીને ૫૦ સુધી લઈ જવાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે પણ છેવાડાના માનવીને મળતી સેવાઓ ન ખોરવાય તે માટે દેશમાં પ્રથમ તેવી આ ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. કોઈપણ વચેટિયાની મદદ વગર ગ્રામજનોના કામો ઝડપથી પૂર્ણ થાય અને વડાપ્રધાનનું ‘આત્મા ગામડાંનો પણ સુવિધા શહેરોની’નું સપનું સાકાર કરવાની દિશામાં ડિજિટલ સેવાસેતુ મહત્વનું કદમ બની રહેશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ સંવેદનશીલ પહેલ માટે સરકારનો આભાર વ્યક્ત કરતા જિલ્લા પંચાયતના સદસ્ય અને શાસક પક્ષના નેતા કકુલ પાઠકે જણાવ્યું કે ગ્રામ્યસ્તરે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતા ગ્રામ્યજનોએ તાલુકા મથક- શહેર જવાની જરૂર નહીં પડે અને તેમના સમય-શક્તિનો બચાવ થશે. મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કાર્યક્રમમાં ડિજિટલ સેવા સેતુના લાભાર્થીઓને દાખલા- પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારીવી.આર. સક્સેનાએ શાબ્દિક સ્વાગત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી આભાર પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી જે.ડી. ચારેલ, ગોધરા મામલતદાર બી.વી પરમાર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ અને ગ્રામજનો સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.
૨૨થી વધુ સેવાઓ ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ કરાવાશે.
રેશનકાર્ડમાં નામ ઉમેરવું- કાઢવું, રેશનકાર્ડનું સરનામું સુધારવું, નવું રેશનકાર્ડ કાઢવું- રેશનકાર્ડ જુદુ કરવું, રેશનકાર્ડના વાલી માટેની અરજી, ડુપ્લીકેટ રેશનકાર્ડ માટેની અરજી, આવકનો દાખલો, વિધવા સર્ટિફિકેટ, હંગામી રહેઠાણનો દાખલો, અનામતમાં ના હોય તેવી જાતિનો દાખલો, રીલીજીયસ માઈનોરિટી સર્ટીફીકેટ, ભાષા આધારિત માઈનોરિટી સર્ટિફિકેટ,સિનિયર સીટીઝન સર્ટિફિકેટ, આવકના દાખલાનું સર્ટિફિકેટ, મુખ્યમંત્રી કૃષિ સહાય, આવકના દાખલાનું એફિડેવિટ, વિધવા સહાય સંબંધિત એફિડેવિટ, જાતિના દાખલાનું એફિડેવિટ, રેશનકાર્ડ માટેનું એફિડેવિટ, નામ બદલવા માટેનું એફિડેવિટ તેમજ અન્ય તૈયાર એફિડેવિટ સહિતની સેવાઓ ગ્રામ પંચાયતસ્તરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.