રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
પ્રાપ્ત વિગતો મુજબ ઉતરાયણના શુભ દિવસે દેવગઢબારીયાના રાજવી અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહબાબા અને તેમના માતૃશ્રી ઉર્વશીદેવી મહારાઉલનાઓ તરફથી અયોધ્યા ખાતે ચાલી રહેલા ભગવાન રામચંદ્રજીના મન્દિરના કામકાજ માટે રૂપિયા એક લાખ એક નો ચેક ઉદાર હાથે આપ્યો હતો. સમગ્ર દેશમાં હિંદુઓ છુટા હાથે દાન કરી રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને આરએસએસના સ્વયંસેવકો દેવગઢ બારીયા સહીત દાહોદ જિલ્લામાં ઘર ઘર યથાશક્તિ દાન મળે તેવી જોગવાઈ કાર્યકારી મિટિંગ કરીને કરી રહ્યા છે.
દેવગઢબારીયા તાલુકામાં ગઈકાલ થી રામ મંદિર ના ફાળા માટે શુભ શરૂઆત થઈ ચુકી છે. ગામડામાં હજુ આ અંગે ચાર ચાર ગા ની બેઠક યોજી આ અંગે લોકોમાં જાગૃતિ અને મંદિર માટે યથાયોગ્ય ફાળો આપવા માટે ફળીયા દીઠ વ્યક્તિની નિમણુંક પણ કરાશે. આ બેઠક વખતે અયોધ્યા ગયેલા કારસેવકોનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. જયારે આજે રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર અયોધ્યા નિર્માણ નિધિ માટે રૂપિયા.૧,૧૧,૧૧૧ નો ચેક આપી દાહોદ જિલ્લાના ધાનપુર થી શુભ શરૂઆત કરવામાં આવી. દેવગઢબારીયા ખાતે અને ધાનપુર ખાતે તાલુકા સંઘચલાક, જિલ્લા – તાલુકા અભિયાન પ્રમુખ તેમજ જિલ્લા – તાલુકા કાર્યવાહ તેમજ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યમંત્રી ખાબડે દેવગઢબારીયા અને ધાનપુર તાલુકાના પ્રત્યેક ગામડાના હિન્દૂ સમાજના નાના મોટા, અમીર – ગરીબ સૌ ભાવિક ભક્તો રામ મંદિર ના આ ભગીરથ કાર્યમાં ફુલ નહીં તો ફૂલની પાંખડી દાન પેટે જરૂર આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આમ દેવગઢબારીયા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય તુષારબાબા અને હાલના મંત્રી ખાબડે અયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્ય માં એક લાખ રૂપિયા ઉપરાંત ની રકમ ઉદાર હાથે આપી શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યા નિર્માણ નિધિ ની શરૂઆત કરાવી હતી.