બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
ઉત્તરપ્રદેશના અયોધ્યા રામકોટમાં 2.7 એકરમાં 57.400 વર્ગ ફૂટ વિસ્તારમાં લગભગ 2200 કરોડના ખર્ચે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણ પામશે. શ્રી રામ ભગવાનના મંદિરના જીર્ણોદ્ધાર માટે 15 મી જાન્યુઆરીથી 27 મી ફેબ્રુઆરી દરમિયાન નિધિ સમપર્ણ અભિયાન કાર્યક્રમ યોજવાનો છે. રાજપીપળામાં પણ સાધુ સંતો અને રામભક્તોની ઉપસ્થિતિમાં એ કાર્યક્રમનો પ્રારંભ થયો છે.
કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રીજી, રાજપીપળા સ્વામીનારાયણ ગુરુકુળના સિધ્ધેશ્વરદાસજી, ભાજપ સાંસદ મનસુખ વસાવા, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા, અનિરુદ્ધ સિંહ ગોહિલ, ડો.દર્શના બેન દેશમુખ, રાજેન્દ્રભાઇ પટેલ, નિલભાઈ રાવ ,દક્ષાબેન પટેલ, કુલદીપ સિંહ ગોહિલ, અલ્પના બેન ભાટિયા સહિત અનેક લોકોએ ઉદાર હાથે ફાળો આપી અન્ય લોકોને ફાળો આપવા અપીલ કરી હતી. કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રીજી જણાવ્યું હતું કે વિધર્મીઓએ 76 વાર યુદ્ધ કર્યું ત્યાર બાદ ધર્મપ્રેમી જનતાનો વિજય થયો અને શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ પામશે.આ આંદોલનમાં શહીદ થયેલા લોકો આજે અત્યંત હર્ષિત થતા હશે.રામ મંદિર ફક્ત અયોધ્યામાં જ નહીં પણ લોકોના હૃદયમાં નિર્માણ પામે એ માટે પ્રત્યેક લોકોએ સહભાગી થવું પડશે. રાજપીપળા સ્વામીનારાયણ ગુરુકુળના શ્રી સિધ્ધેશ્વરદાસજી જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે ઝોળીદાનમા આવેલ તમામ રકમ રામ મંદિર નિર્માણ કાર્યમાં અમે અર્પણ કરી છે.અમે તો સાધુ ફકીર છીએ, જો ફકીરને રાષ્ટ્રભાવનાની ફિકર હોય તો ઉદ્યોગપતિઓ અને ગર્ભશ્રીમંતોએ પણ સૌકાઓના સંઘર્ષ પછી નિર્માણ પામેલા શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે ઉદાર હાથે ફાળો આપવો જોઈએ. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે શ્રી રામ જન્મભૂમિના અનેક આંદોલનોમાં મેં ભાગ લીધો છે.અયોધ્યાના પ્રથમ આંદોલન વખતે ત્રિવેણી સંગમ ખાતેથી મારી ધરપકડ થઈ હતી અને 14 દિવસ નૈની જેલમાં હું રહ્યો હતો.એ બાદ બીજા મોટા આંદોલનમાં જે ઢાંચો પડ્યો એનો હું તાજનો સાક્ષી છું, ઢાંચો પાડવામાં અમારુ પણ મોટું યોગદાન રહેલું છે.મોટા મોટા 4-5 ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લઈ રામ મંદિરનું નિર્માણ થઈ શકતું હતું પણ સાધુ સંતો, રામભક્તો અને રામ મંદિર નિર્માણ સમિતિએ એવું વિચાર્યું કે અયોધ્યા આંદોલનમાં દેશ અને વિદેશના રામભક્તોનો સહયોગ છે તો રામ મંદિર નિર્માણમાં પણ એમનો સહયોગ હોવો જોઈએ.”સોગંદ રામ કી મંદિર વહી બનાયેંગે” રામભક્તોનો એ શંકલ્પ પૂરો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.