ડભોઇના નાયબ કલેકટર શિવાની ગોયલ દ્વારા રેશનિંગની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ: ગેરરીતિ આચરતા દુકાનદારોમાં ફફડાટ

vadodara
પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ
ડભોઇના પ્રાંત અધિકારી-નાયબ કલેકટર શિવાની ગોયલ દ્વારા અચાનક સસ્તા અનાજની દુકાનો-રેશનિંગની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇ નગરની બે દુકાનો અને તાલુકાના સીમળીયા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ચેકિંગ હાથ ધરાતા સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ ચેકિંગ દરમિયાન આ ત્રણ દુકાનદારોની અનિયમિતતા સામે આવતા તેમને નાયબ કલેકટર દ્વારા નોટિસ ફટકારી તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા માટે પુરવઠાતંત્રને રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ડભોઇ નગર અને તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં ઘણી બધી ગેરરીતિઓ અને અનિયમિતતા અને ગરીબોને સમયસર – પૂરતા પ્રમાણમાં અનાજ ન પહોંચતું હોવાની, ગ્રાહકોને હેરાન ગતિ વગેરે જેવી બાબતની અનેક ફરિયાદો ઉભી થવા પામી હતી.અને ગરીબોના હકનુ અનાજ બારોબાર સગેવગે થતું હોવાની વાત સરકારી તંત્રને મળી હતી. જેના પરિણામે આ છાપો મારી અઢળક ગરીબોના હકનુ અનાજ પકડવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રેશનકાર્ડધારકોને આપવામાં આવતો અનાજનો જથ્થો પુરતા પ્રમાણમાં અપાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ દુકાનદાર દ્વારા નિભાવતા રજીસ્ટર, ઓનલાઈન કરવામાં આવતી કુપનો, ભાવ દર્શક પત્રક બોડૅ, જાહેર વિતરણ વ્યવસ્થાની નિયમિતતા વગેરે બાબતોની નાયબ કલેકટર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સદર ત્રણ દુકાનોમાં ક્ષતીઓ,અનિયમિતતાઓ અને ગેરરીતિઓ જણાઇ આવી હતી. જેના પરિણામે આ ૩ દુકાનદારોને નાયબ કલેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને આ કાર્યવાહી બાબત નો રિપોર્ટ જીલ્લા પુરવઠા તંત્રે પણ મોકલવામાં આવેલ છે અને દુકાનદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે ડભોઇ નગર અને તાલુકામાં આવેલી સસ્તા અનાજની- રેશનિંગની દુકાનોના સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો અને આ કાર્યવાહીથી ગરીબોમાં આશા જન્મી છે કે, સરકારી તંત્રની આવી કડક તકેદારીના પરિણામે કોઈ પણ સંચાલક તેમના હક્ક નું અનાજ બારોબાર સગેવગે કરી શકશે નહીં અને કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર આચરી શકશે નહીં અને જો કોઇ સંચાલક આવો પ્રયત્ન કરશે તો સરકારી તંત્ર તેની સામે કડક કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *