નિમેષ સોની, ડભોઇ
ડભોઇ તાલુકાના કડધરા ગામની સીમમાંથી પસાર થતી કુંઢેલા બ્રાંચની નર્મદા કેનાલમાં પાણીના વહેણને લઈ જર્જરીત થઇ ગયેલ કેનાલમાં ગાબડું પડતા પાણીનું સ્તર પણ વધુ હોવાથી કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતાં આ કેનાલની આજુબાજુના ખેતરો જળબંબાકાર થઈ જવા પામ્યા હતા. જેના પરિણામે ખેડૂતોના ખેતરોમાં રહેલ ડાંગર, તુવેર અને દિવેલાના ઉભા પાકને પારાવાર નુકસાન થયું હતું.આ ઘટનાની જાણ ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓને કરાતા સ્થળ સ્થિતિનો ક્યાસ મેળવી રીપોર્ટ કરાયો હતો. જોકે વારંવાર બનતી આવી બેજવાબદાર ઘટનાઓથી ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ડભોઇ તાલુકાના કડધરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડા પડવા, ગેટ ના ખોલાવાના કારણે કેનાલના પાણી ઓવરફ્લો થવાના બનાવો બનતા જ રહે છે. કેનાલની આજુબાજુમાં ખેતી કરતા ખેડૂતોને નર્મદા નિગમના કર્મચારીઓની બેજવાબદાર નિતિને કારણે વારંવાર નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ગયા વર્ષે પણ કેનાલ ઓવરફ્લો થઈ જતાં ખેતરોમા ઉભો પાક બરબાદ થઈ જવા પામ્યો હતો. ત્યારે રાત્રી ના સમયે કેનાલમાં ગાબડું પડતા તેમજ પાણીનુ વહેણ કેનાલમાંથી ઓવરફલો થઈ ખેતરોના ઉભા પાકમાં પ્રસરી જતા અસંખ્ય ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.જેથી કપાસ, ડાંગર, તુવેર અને દિવેલાના પાકોમાં ભારે નુકસાની થવા પામ્યું હતું.
નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા જર્જરીત કેનાલોનો સમયસર સર્વે ન કરાતો હોય, ઝાડી ઝાંખરાની સફાઇ ન કરાતી હોય, ગેટ ખોલવામાં તેમજ પાણીના વહેણની દેખરેખમાં બેદરકારી રાખી પોતાની જવાબદારીનું ભાન ભૂલી માત્ર ટેબલ પર જ કામ બતાવી ‘સબ સલામત હે’નું વારંવાર રટન કરતા હોવાના કારણે આવી ઘટનાઓ અવારનવાર બનવા પામે છે અને જેના પરિણામે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે છે જેથી ખેડૂતોએ પોતાને થયેલ નુકશાનનું વળતર મેળવવા માંગ કરી છે.