બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
કેન્સર અને હાર્ટની ગંભીર બીમારી બાદ પણ 75 વર્ષીય વૃદ્ધે કોરોનાને મ્હાત આપી
વૃદ્ધનું વર્ષ 2017માં એમને બોર્ન કેન્સર હોવાનું નિદાન થયું.
જીત મેળવવા મન મક્કમ રાખશો તો કપરો સમય ક્યાંય પસાર થઈ જશે ખબર પણ નહીં પડે : 75 વર્ષીય વૃદ્ધ
કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમણ ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે. લોકોમાં એક ડરનો માહોલ પેદા થયો છે. ઘણાં કિસ્સાઓમાં તો કોરોના દર્દીઓ પોતાનો જીવ પણ ગુમાવે છે. કોરોનાનો એટલો બધો હાઉ છે કે લોકો ટેસ્ટ કરાવવાથી દૂર ભાગી રહ્યાં છે. જો કે તબીબો એમ પણ કહી રહ્યાં છે કે દવા સાથે મનોબળ જો મજબૂત હોય તો કોરોના સામે જંગ જીતી શકાય છે. એવી જ રીતે નર્મદા જિલ્લાના રાજપીપળામાં કેન્સર અને હૃદયની ગંભીર બીમારીવાળા વૃદ્ધ દર્દીએ ને મ્હાત આપી છે. તબીબોએ પણ એ વૃદ્ધના મનોબળના ખૂબ વખાણ કર્યાં હતાં.
રાજપીપળાની રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા 68 વર્ષીય તરલિકાબેન અભેસિંહ બારડ કોરોના સંક્રમિત થતા એમને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. એમનાં 75 વર્ષીય પતિ અભેસિંહ ફતેસિંહ બારડે પણ RT PCR ટેસ્ટ કરાવ્યો. બીજે દિવસે એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હવે અભેસિંહ ફતેસિંહ બારડને વર્ષ 2011માં હૃદયનો હુમલો આવ્યો. તે દરમિયાન એમને 2 સ્ટેન્ડ મુકાયા હતાં. ત્યાર બાદ વર્ષ 2017માં એમને બોર્ન કેન્સર હોવાનું નિદાન થયું. સતત 1 વર્ષ સુધી કિમો થેરાપી જેવી જટિલ તબીબી પ્રક્રિયા પાર કરી તેઓ ફરી સ્વસ્થ જીવન જીવવા લાગ્યા હતાં એવામાં તેઓ કોરોના સંક્રમિત થયાં.હવે એમને જ્યારે ખબર પડી કે તેઓ કોરોના સંક્રમિત થયા છે તો એમણે હસતા મોઢે પરિવારજનોને એમ કહ્યું કે, ‘કેન્સરને જો હું મ્હાત આપી શકતો હોઉં તો કોરોના તો મારી સામે કંઈ જ નથી. તમે ચિંતા ન કરતા હું જેઓ જઈશ એવો જ પાછો આવીશ’ એમ કહી તેઓ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ઉપડી ગયા. એક તરફ હૃદય રોગની દવાઓ તો ચાલુ જ પણ સાથે સાથે બોર્ન કેન્સરની ટેબલેટ કિમો પણ ચાલુ જ હતી. બીજી બાજુ કોરોનાની દવાઓ. તેઓએ મક્કમ મનોબળે સારવારમાં તબીબોને પણ એટલો સાથ સહકાર આપ્યો. જેટલાં દિવસ તેઓ કોવિડ હોસ્પિટલમાં રહ્યાં એટલાં દિવસ એમણે હસતા મોઢે સારવારની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી. હાલમાં તેઓ 17મી ઓક્ટોબરે કોરોનાને મ્હાત આપી પોતાના ઘરે પરત ફર્યાં છે.
અભેસિંહ બારડની સારવાર કરનાર ડૉ. મેણાત અને ડૉ. સૌરભ ભટ્ટે જણાવ્યું હતું કે, ખરેખર કેન્સર અને હૃદયની બીમારી વચ્ચે કોરોનાને હરાવવો એ દવાની સાથે મક્કમ મનોબળ હોય તો જ શક્ય બને છે. કોરોનાને મ્હાત આપનાર અભેસિંહ બારડે જણાવ્યું કે, ‘મને ખબર જ ન પડી કે હું ઘરમાં છું કે હોસ્પિટલમાં. ડૉકટર એ ભગવાન પછીનું બીજું રૂપ છે એવો મને અનુભવ થયો છે. કોરોના મહામારીમાં ડૉકટરો તથા અન્ય તબીબી સ્ટાફના લોકો પોતાના જીવના જોખમે દર્દીઓની કેવી રીતે સારવાર કરે છે એ મે ખુદ અનુભવ્યું છે. એમાંય જો જીત મેળવવા મન મક્કમ રાખશો કે મુશ્કેલીઓનો સામનો કરશો તો ગમે તેવો કપરો સમય હશે એ ક્યારે પસાર થઈ જશે એ ખબર પણ નહીં પડે. તબીબો તથા અન્ય આરોગ્ય કર્મીઓ પ્રત્યેની આપણી નારાજગી હોવી જ ન જોઈએ.
