રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
આ વર્ષે પાછળથી પડેલા વરસાદે ખરીફ પાક બગાડ્યો છે. ત્યારે રવિ સિઝનની તૈયારી પહેલાં નાણાં ભીડ સર્જાતાં રાધનપુર તાલુકાના ખેડૂતોએ સંઘરેલી જણસી માર્કેટ યાર્ડમાં નીચા ભાવે વેચાણ કરવા મજબૂર બન્યા છે. પાટણ જિલ્લાના 6 તાલુકામાં અતિભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. તેમજ રવિ સિઝનની ખેડૂતો તૈયારીઓ કરવા લાગે તે પહેલાં કોરોના મહામારીને લઈ નાણાં ભીડ ઉભી થઇ છે. અત્યાર સુધી ધરતી પુત્રોએ વ્યાજના નાણા લાવી વહ્યવહારો અને ખેતી કરી, હવે પાક તો નિષ્ફળ ગયો ત્યારે પાક સહાય માટે ફોર્મ તો ભર્યા પરંતુ કોઈ સહાય આવી નથી. આ સિઝનમાં ખેડૂતો પાસે નાણાં ખર્ચ કરવા રહ્યા નથી. ત્યારે ખેડૂતોએ સંઘરેલી જણસીનું વેચાણ કરવા તેમજ ખરીફમાં બચેલા પાકને હવે વેચવા મજબુર બન્યા છે. સંઘરેલા જણસીના પાકો લઈને રાધનપુર માર્કેટયાર્ડમાં ધરતીપુત્રો પહોંચી રહ્યા છે. જેમાં ખાસ કરીને સંઘરેલા પાકો એરંડા, ઘઉં, જીરું, ચણા સહિતના પાકો લઈને વેચાણ કરવા આવી રહ્યા છે. તેમજ ખેડૂતોને રૂપિયાની તાતી જરૂરિયાત હોવાથી જે ભાવ મળે તે ભાવે જણસી વેચવા મજબૂર બન્યા છે. તેમજ હજુ જાહેર કરાયેલા ટેકના ભાવ ન મળતા ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે.