ડભોઇ નગરના હાર્દ સમા અને ભરચક વિસ્તાર ટાવર બજાર પાસે ના કંસારા બજારમાં આવેલ એસ.વી ટ્રેડર્સ નામની દુકાનના વેપારી સંજયભાઈ શાહ ની દુકાને ગ્રાહક બનીને આવેલ એક ગઠિયો એક લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી રફુચક્કર થઇ જતા ડભોઇના બજારમાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ડભોઇ નગરમાં એસ.વી.ટ્રેડસૅ નામની અનાજ કરીયાણા અને ગોળના વેપારી સંજયભાઈ શાહ ની દુકાનમાં તેવો પોતાની દુકાનની નજીક આવેલ મહાલક્ષ્મી બેંકમાં રૂપિયા જમા કરાવવા જવાના હોય રૂપિયા એક લાખ કાઉન્ટર ઉપર મૂક્યા હતા. તેવા જ સમયે એક ગ્રાહક બનીને આવેલ ગઠિયો તેમની નજર ચુકાવી, તકનો ફાયદો લઈ કાઉન્ટર ઉપર મૂકેલા રોકડા રૂપિયા લઇ રફુચક્કર થઈ ગયો હતો. તેથી સમગ્ર બજારમાં ફફડાટ ફેલાઇ ગયો હતો .જાણવા મળતી માહિતી મુજબ આ ગઠિયો થોડાક સમય અગાઉ જ એક કંસારાની દુકાનેથી પણ ૧૦,૦૦૦ રૂપિયા ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ડભોઇ પોલીસના અધિકારીઓ સ્થળ પર પહોંચી બનાવની પ્રાથમિક તપાસ સી.સી.ટીવી ફૂટેજના આધારે હાથ ધરી છે.આ ઉઠાંગીરી કરનાર વ્યક્તિ કોણ હતો? ક્યાંથી આવ્યો હતો ? તેની ઝીણવટ ભરી તપાસ આદરી છે .ડભોઇ નગરમાં તાજેતરમાં બાઇકો ચોરી , ઘરફોડ ચોરી, ચીલઝડપ, ડીઝલ ચોરી ના આવા બનાવો બનતા જ રહે છે. જેથી પોલીસ તંત્ર નગરમાં ચુસ્ત બંદોબસ્ત અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે એવી વેપારીઆલમમાં ચર્ચા ઉઠી છે આ બનાવથી ડભોઇ બજારના વેપારીઓ માં ગભરાટ અને અસલામતીનો માહોલ ઊભો થવા પામ્યો છે .નગરમાં ચાલતી ચર્ચા મુજબ નગરમાં ઠેરઠેર સી.સી.ટીવી કેમેરા લાગેલા છે પરંતુ પોલીસ તંત્ર તેનો ઉપયોગ માત્ર વાહનચાલકો અને માસ્ક વગર ફરતાં લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા માટે જ કરે છે. તેના બદલે આ સી.સી.ટીવી કેમેરાનો ઉપયોગ ગુનાહીત પ્રવૃત્તિ કરતા આવા માણસો ને ઝડપીપાડવા માટે કરે. તેવી પ્રજાજનોની માંગ છે આમ આદમીને પરેશાન કરવા કરતા ગુનેગારો સત્વરે ઝડપાઈ જાય એવી કાર્યવાહી પોલીસ તંત્ર એ કરવી જોઈએ.