બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી અંગેનું નવું સીમાંકન હજુ જાહેર જ થયું છે, ત્યાંતો સત્તા પક્ષ અને વિપક્ષે એક બીજા પર ગંભીર આક્ષેપો લગાવવાના શરૂ કરી દીધા છે. રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીને લઈને હાલ પત્રિકાઓ ફરતી થતા પાલિકા રાજકારણનું સ્તર બિલકુલ નીચે ગયું છે.એક સમય એવો હતો કે રાજપીપળા પાલિકાના વહીવટ વિરુદ્ધ શહેરના જ અમુક જાગૃત નાગરિકો પાલિકા વિરુદ્ધ ખુલ્લેઆમ વિરોધના સુર આલપતા હતા. પણ જેવી ચૂંટણી નજીક આવી એટલે ટીકીટ લેવાના ઈરાદાથી એમના સુર બિલકુલ બદલાઈ ગયા.એક તરફ રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો વિકાસના કામો કરી રહ્યા છે તો બીજી બાજુ વિપક્ષ દ્વારા એ કામોનો વિરોધ કરાઈ રહ્યો છે.
હાલમાં જ રાજપીપળા નગરપાલિકાએ શહેરની કાયા પલટ કરવા માટે કરોડો રૂપિયાના વિકાસ કામો અંગે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. એ ટેન્ડર પ્રક્રિયામાં વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ હોવાનો આક્ષેપ ખુદ રાજપીપળા પાલિકા નેતા મુંતઝીર ખાન શેખે લગાવ્યો છે.રાજપીપળા પાલિકા વિપક્ષ નેતાઓ પાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે ૧૪ માં નણા પંચની ગ્રાન્ટ માંથી પાલિકાએ ૫ કામોનું ઓનલાઈન અને ૫ કામોનું ઓફલાઈન ટેન્ડર હાથ ધર્યું હતું.જેમાં ટેન્ડર ભરનારા તમામ એજન્સીઓને હાજર ન રાખતા મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.
રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુંતઝીર ખાન શેખે પાલિકા ચીફ ઓફિસર જયેશ પટેલ પાસે ટેન્ડર પ્રક્રિયા મુદ્દે રજૂ કરાયેલા કેટલાક દસ્તાવેજોની માંગણી કરી છે. રાજપીપળામાં ભૂગર્ભ ગટર યોજના ફેઝ-૧ અને ફેઝ-૨ ના ક્યા કયા વિસ્તારમાં કામો બાકી છે, જે વિસ્તારમાં પાલિકાએ પેવર બ્લોક અને આર.સી.સી રસ્તાની મંજૂરી આપી છે એ મામલે ગાંધીનગર ગઈ.યુ.ડી.સી નું પ્રમાણપત્ર, તેમજ ઓનલાઈન ટેન્ડરિંગમાં કઈ કઈ એજન્સીઓએ ફોર્મ ભર્યું હતું અને કઈ એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો છે એની પ્રમાણિત નકલની માંગ કરતા ખળભળાટ મચ્યો છે. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે જો આ માહિતી આપવામાં નહિ આવે તો આમા પાલિકા ચીફ ઓફિસરની જે તે એજન્સી સાથે સાંઠ ગાંઠ સાબિત થશે, અને જ્યાં સુધી આ તમામ બાબતોની સ્પષ્ટતા અપાય નહિ ત્યાં સુધી કોઈ પણ એજન્સીને જો વર્ક ઓર્ડર અપાયો તો પાલિકા ડૂબી જશે.
પાલિકા વિપક્ષ નેતા મુંતઝીર ખાન શેખનો એક પત્ર મળ્યો છે, પણ એ બાબતે હમણા હું કશું જ કહી શકુ નહિ એક વાર એ પત્રનો અભ્યાસ કર્યા બાદ યોગ્ય જવાબ આપી શકાય, પણ હા એટલું જરૂર કહીશ કે આ તમામ આક્ષેપો ખોટા છે, તમામ ટેન્ડરીંગ પ્રક્રિયા નિયમ મુજબ જ થઈ છે.રાજપીપળા પાલિકાની કોઈ સાથે સાંઠ ગાંઠ નથી.- જયેશ પટેલ,ચીફ ઓફિસર,રાજપીપળા નગરપાલિકા