રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
ચાર વાહનોના દસ્તાવેજની ચકાસણી એઆરટીઓ કચેરીએ કરાવતાં બોગસ ઇન્સ્યોરન્સ તેમજ ગુજરાતનો ટેક્સ ચોરીનો પણ થતી હોવાનું જણાયું : એ.આર.ટી.ઓ એ જે તે ડીલર પર દોષનો ટોપલો ઢોળ્યો
કૌભાંડો માટે કુખ્યાત મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં વધુ બોગસ વીમા પોલીસી તેમજ સરકારી આવકને નુકસાનનું કૌભાંડ હજુ પણ ચાલી રહ્યું હોવાની આશંકાના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં ચાર વાહનોના દસ્તાવેજમાં બોગસ ઇન્સ્યોરન્સ અને લેટ ફી બચાવવા સરકારી આવકને નુકસાન જણાઈ આવતા બોગસ વીમા પોલીસીનું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું હોવાની પ્રબળ આશંકાના પગલે સઘન કાયદેસરની તપાસની માંગ ઉઠી રહી છે.લુણાવાડા એઆરટીઓ કચેરીમાં એપ્લીકેશન નંબર GJ20070339902239, GJ20082565290870 અને અન્ય રાજ્યની MH 20072231751248, MH20072291749533 ના દસ્તાવેજ ચકાસણીમાં બોગસ ઇન્સ્યોરન્સ પોલીસીઓ હોવાનું ધ્યાને આવતાં જો કચેરીમાં પાસ થયેલા તમામ વાહનોના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવે તો વ્યાપક બોગસ દસ્તાવેજો મળી આવે તેમ છે ! આ અંગે કચેરીના અધિકારીઓ જ જાતે જ જણાવી રહ્યા છે કે એમાં ખોટું થયું છે પણ આ અંગે તેઓ કશું કરી શકે નહિ ડીલરની જવાબદારી છે.વાહનમાલિક અરજી કરી શકે કે વીમા કંપની તપાસ કરી કાર્યવાહી કરી શકે. પરંતુ બીજી તરફ કેટલાક ડીલરો તરફથી બોગસ દસ્તાવેજો અપલોડ કરવામાં આવે છે તો જવાબદાર અધિકારી દ્વારા શું તપાસ કરવામાં આવે છે તેવા લુણાવાડા એઆરટીઓ કચેરીના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
અગાઉ મહીસાગર એ આર ટી ઓ કચેરીમાં બોગસ વીમા કૌભાંડ ઝડપાયું હતું. ..
આ અગાઉ પણ એ આર ટી ઓ કચેરીમાં ખોટા વીમા રજૂ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતા.125 જેટલા નવીન વાહનોમાં ખોટા વીમા રજૂ કરી ગંભીર ગેરરિતી આચરી સરકારની તિજોરીમાં દંડના નાણાં ઓછા જમા કરાવ્યાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ ઉપરાંત એઆરટીઓએ કચેરીના જુનિયર કલાર્કે પોતાની ફરજ દરમિયાન લાખોની માતબર રકમ કચેરીની આવક કરતા ઓછી જમાં બતાવી નાણાની ઉચાપત કરી પોતાના અંગત કામે વાપરી નાખી ગુન્હો કર્યા બાબતે લુણાવાડા પોલીસ મથકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે કૌભાંડો માટે કુખ્યાત બનેલી કચેરીમાં જો આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવે તો વધુ એક કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે.
ડીલરની જવાબદારી છે અગાઉની ફરિયાદ વખતે હું ન હતો – એ.આર.ટી.ઓ લુણાવાડા
આ અંગે ડીલરોની જવાબદારી છે તેઓને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સત્તા આપેલી છે. વાહન માલિક જો ખોટું થયું હોય તો અરજી કરી શકે છે. ઉપરોક્ત કેસ અંગે જે તે આરટીઓ કચેરીને જાણ કરવામાં આવશે. બોગસ પોલીસીઓ અંગે જે તે વીમા કંપની તપાસ કરી ફરિયાદ કરી શકે છે.