રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
પ્રથમ રેમો નર્સ મશીન રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતમાં સર.ટી.હોસ્પિટલને વિનામૂલ્યે અર્પણ કરાયું
આ કોરોના કાળમાં આઇસોલેશન વોર્ડમાં નર્સ તથા મેડીકલ ટીમને મદદરૂપ થાય તેવા સાધનનો આવિષ્કાર ભાવનગરના બે ઇજનેરો દ્વારા કરવામાં આવ્યો છે. જેને આજરોજ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ભાવનગરની સર.ટી.હોસ્પિટલના મેડિકલ વિભાગને અર્પણ કરવામાં આવેલ.
ભાવનગરના સાહસિક ઇજનેર રાહુલ સંઘવી તથા રવિ પરમાર દ્વારા આ અત્યાધુનિક મશીનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેને “રેમોનર્સ” નામ આપવામાં આવેલ છે. જે હાલની વર્તમાન કોવિડ-૧૯ પરિસ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીની સેવા માટે ખૂબ જ ઉપયોગી કાર્ય કરી શકવા સક્ષમ છે.આ મશીનનું સંચાલન ૧૫૦ ફૂટની રેન્જ સુધી રીમોટ, મોબાઈલ, તેમજ કેમેરા વડે આઇશોલેશન વોર્ડમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી કરી શકે છે. જે દર્દીને દવાઓ, ટિફિન, નાસ્તો, પાણી વગેરે પહોંચાડી શકે છે. તદુપરાંત દર્દીનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપી શકે છે તથા પલ્સ તથા ઓક્સિજન લેવલ પણ માપી શકે છે. આ મશીનની અન્ય વિશેષતા એ છે કે તેમાં રહેલ ઇન્ફ્રારેડ સેન્સર કેમેરા તથા સ્પીકર વગેરે વડે કોરોનાગ્રસ્ત દર્દીને આરોગ્ય કર્મચારી જરૂરી સુચના આપી શકે છે તથા દર્દી પણ તેમની જરૂરિયાત, તકલીફ વગેરે તેના માધ્યમથી આરોગ્ય કર્મચારીને જણાવી શકે છે. આમ કોરોનાગ્રસ્ત દર્દીના સીધા સંપર્કમાં આવ્યા વગર જ પૂરેપૂરી કાળજી લઇ શકાય છે તથા આ “રેમો નર્સ” દ્વારા આરોગ્ય કર્મચારીની સલામતી, સંક્રમણ વિગેરેની શક્યતા પણ નિવારી શકાય છે. ભાવેણાના ઇજનેર દ્વારા બનાવવામાં આવેલ આ રેમો નર્સનું દાન જીતેન્દ્રરાય સંઘવી તથા પ્રવીણભાઈ પરમાર દ્વારા સર.ટી.હોસ્પિટલના મેડિકલ વિભાગને કરવામાં આવેલ છે.
રેમો નર્સ ના લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા અને મશીનના નિર્માતા રાહુલભાઈ તથા રવિભાઈને લોકસેવાના આ કાર્યમાં મદદરૂપ થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ રેમોનર્સ દર્દીઓ માટે નર્સની ગરજ સારશે.જેના થકી આઇશોલેશન વોર્ડમાં ફરજ બજાવતા કર્મીઓને કોરોના થવાની સંભાવના પણ ઘટી જશે.અન્ય કોઈ ખાનગી હોસ્પિટલને આ આધુનિક મશીનનું વેંચાણ ન કરી સર.ટી.હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આ મશીન ઉપલબ્ધ કરાવી રાહુલભાઈ તથા રવિભાઈએ ભાવનગર પ્રત્યેની તેમની નિષ્ઠા અર્પણ કરી છે. ઉપસ્થિત કોરોના વોરિયર્સ તથા મેડિકલ ટીમને બિરદાવતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે અનિશ્ચિતતાઓથી ભરેલી આ કોરોના મહામારીમાં આપ સૌએ પ્રશંશનિય ફરજ બજાવી છે.આપ સૌની સેવા અને પરોપકારની ભાવનાને કારણે આજે ભાવનગરમાં કોરોના રિકવરી રેટ ખૂબ ઊંચો છે તો મૃત્યુ દર ખૂબ નીચો છે.