રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદમાં છેલ્લા દસેક દિવસમાં કોરોનાના કેસોમાં સરકારી કર્મચારીઓ પણ સંક્રમિત થયા હોય કોવીડ-૧૯ સંદર્ભે ઓફિસ-કાર્યક્ષેત્ર ખાતે સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, દરેક સરકારી કચેરી ખાતે કોરોના સંક્રમણને ટાળવા માટે એક નોડલ ઓફીસરની નિમણુંક કરવાની રહેશે જેઓએ આ જવાબદારી સુપેરે નિભાવવાની રહેશે. કચેરીના પ્રવેશદ્વાર પર ફરજીયાત સેનેટાઇઝરથી હાથ સાફ કરવા અને થર્મલગનથી શરીરનું તાપમાન માપવું અને પલ્સઓક્સીમીટર પણ સાથે રાખવું. ફક્ત ચિન્હો વગરના એટલે કે તાવ, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ ના હોય તેવા કર્મચારીઓ-મુલાકાતીઓને જ પ્રવેશ આપવો. અવર જવર મર્યાદિત રાખવી. જે કર્મચારીને કોઇ પણ પ્રકારના કોરોનાના લક્ષણ જણાતા હોય તો તેમનો કોરોના ટેસ્ટ તુરત જ કરાવવો. શકય હોય ત્યાં સુધી વર્ક ટુ હોમ કન્સેપ્ટ અપનાવવો.
કન્ટેઇનમેન્ટ જાહેર કરેલા વિસ્તારમાંથી આવનાર કોઇ પણ વ્યક્તિએ ઓફીસની મુલાકાત ટાળવી. માસ્ક મોં અને નાક ઢંકાયેલા રહે એ રીતે પહેરવું અને ૬ ફૂટનું સામાજિક અંતર જાળવી રાખવું. અનિવાર્ય સંજોગોમાં જ મુલાકાતીઓએ ઓફીસની મુલાકાત યોગ્ય પરવાનગી બાદ અને તબીબી તપાસ કર્યા બાદ જ લેવી. કચેરીમાં બેઠક વ્યવસ્થા ૬ ફૂટનું અંતર જળવાય તેમ રાખવી. મીટીગ પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવી. કચેરીમાં કર્મચારીઓ-મુલાકાતીઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. દરેક કર્મચારીએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવો. કચેરીમાં નિયમિત સાફસફાઇ, સ્વચ્છતા જળવાઇ તેનું ધ્યાન રાખવું. ઓફીસ-કાર્યક્ષેત્ર-વર્કપ્લેસ કોવીડ-૧૯ અંતર્ગત કયારે બંઘ રાખવી એ બાબતે જણાવતા તેમણે ઉમેર્યું કે, જયારે એક કે બે કેસ નોંધાયેલા હોય તો દર્દીએ છેલ્લા ૪૮ કલાકમાં જે જગ્યા-સ્થળની મુલાકાત લીધી હોય તે જગ્યાને ચેપ મુક્ત કરવી હિતાવહ છે. આખી ઓફીસ બિલ્ડિંગ બંઘ રાખવી કે ઓફીસના અન્ય વિભાગોમાં કામ બંઘ રાખવું જરૂરી નથી. અને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ જીવાણુંનાશક ક્રિયા પછી ફરીથી કામ શરૂ કરી શકાય છે.