રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોરોના કહેર વચ્ચે સરકારે લોકડાઉન જાહેર કર્યું એ દરમિયાન તમામ લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હતા. જોકે સમયાંતરે સરકારે વિવિધ ગાઈડલાઈન જાહેર કરી મોટે ભાગમાં તમામ વ્યવસાયો નિયમોને આધીન ચાલુ કરવા મંજૂરી આપી છે. એ તમામની વચ્ચે સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નર્મદા જિલ્લામાં સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાની ફરિયાદ લઈ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. હાલ સરકારે સાઉન્ડ સિસ્ટમના વ્યવસાયને બાદ કરી તમામ વ્યવસાયો ચાલુ કરવા મંજૂરી આપતા એમણે નારાજગી વ્યક્ત કરી હતી. એમણે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે અમે લોકડાઉન દરમિયાન સરકારના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું જ છે. પીએમના આદેશ મુજબ અમે લોકડાઉન દરમિયાન અમારી સાથે કામ કરતા માણસોને ઘરે બેઠા પગાર આપ્યો છે.હાલ સરકારે પ્રોવિઝન સ્ટોર, શાકભાજી, ગેરજ, ગાડીઓના શો-રૂમ, મોલ, જિમ સહિત અન્ય વ્યવસાયો ચાલુ કરવા મંજૂરી આપી છે. પણ સરકારે અમારી તરફ ધ્યાન ન આપ્યું એ દુઃખદ બાબત છે. અમે પણ બેન્ડ-સાઉન્ડ સિસ્ટમના એકમો માટે લોન લીધી છે, પણ લોકડાઉનને કારણે અમારો વ્યવસાય ઠપ્પ થઈ જતા અમારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. લોનના હપ્તા પણ ભરાતા નથી. પૈસાની તંગીને કારણે અમારું જીવન નિર્વાહ મુશ્કેલ થઈ પડ્યું છે.અમે સરકારના તમામ નીતિ નિયમોનું પાલન કરીશું સરકાર અમારા વ્યવસાયને પણ છૂટ આપે એવી અમારી માંગ છે.