રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
અમદાવાદ કલેક્ટર ઓફિસમાં જિલ્લાની તમામ નગરપાલીકાના ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસરની મીટીંગ યોજાઇ
અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લાની તમામ નગરપાલીકાના ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસરની મીટીંગ યોજાઇ હતી. અમદાવાદ કલેક્ટર કે.કે નીરાલા, આર.સી.એમ મનિષ બંસલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવની ઉપસ્થિતીમાં આયોજિત મીટીંગમાં અમદાવાદ જીલ્લાના નગરપાલીકા વિસ્તારની કોવિડ-૧૯ની સ્થિતી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં કોવિડ-૧૯ની સ્થિતી જોતા ૮૦ ટકા કેસ નગરપાલીકા વિસ્તારમાં અને બાકીના ૨૦ ટકા કેસ ગ્રામ્ય વિસ્તારમાં છે. ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરી વિસ્તારમાં કોવિડ-૧૯ના કેસોનું પ્રમાણ વઘારે જોવા મળી રહ્યુ છે જેથી નગરપાલીકાના ચીફ ઓફિસરોને સઘન કામગીરી કરવા સુચના આપવામાં આવી છે. શોપ વેન્ડર, કંપનીઓ, સફાઇ કામદારો, બાયોમેડિકલ વેસ્ટની કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ સહિતના સુપરસ્પ્રેડરનું કોવિડ-૧૯ સ્ક્રિનીંગ તથા ટેસ્ટીંગ કરવુ જોઇએ. કોવિડ-૧૯નું વહેલુ નિદાન અને ત્વરીત સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવુ જોઇએ. લોકલ ગવર્નિંગ બોડીને કોવિડ-૧૯ અંગે તાલીમ આપવી, જેથી તેઓ કોવિડ-૧૯ના વહેલા નિદાનમાં મદદરૂપ બની શકશે તેવી સુચના અમદાવાદ કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી.