રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
અત્યાર સુધી અમદાવાદ જીલ્લામાં ૭૭ કન્સ્ટ્રક્શન સાઇટ, ૬૩૭ ફેક્ટરી, ૧૪૩ ઇંટોના ભઠ્ઠા, ૪૦ ભંગાર-ટાયરવાળાને ત્યાં મચ્છરોનું બ્રીડીંગ મળતા મેલેરીયા શાખા દ્વારા નોટીસ ફટકારવામાં આવી
અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરીયા શાખાના સંકલનમાં રહી ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા અમદાવાદના ૪૬૪ ગામમાં ૩૩૨૯૩૬ ઘરોના ૯૩૨૨૨૦ શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી હતી. માંથી ૪૮૫૪ સ્થાન પર મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. જેનો કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવ અને જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ (એન.વી.બી.ડી.સી.પી) અંતર્ગત કામગીરી સઘન કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં વાહનજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે સફળતા મળી છે. જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ માટે સૌથી સાનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. આ ઉપરાંત ચાલુ વર્ષે અત્યાર સુધી અમદાવાદ જીલ્લામાં ૭૭ કન્સ્ટ્રક્શન સાઇટ, ૬૩૭ ફેક્ટરી, ૧૪૩ ઇંટોના ભઠ્ઠા, ૪૦ ભંગાર-ટાયરવાળાને ત્યાં મચ્છરોનું બ્રીડીંગ મળતા મેલેરીયા શાખા દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, ફોગીંગ, બીટીઆઇ છંટકાવ, દવાયુક્ત મચ્છરદાની, ડ્રાય ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવી રહી છે. તમામ સરકારી, બિનવપરાશી મકાનોમાં મચ્છર ઉત્પત્તિના થાય તે ખાસ જોવા અને જીઆઇડીસીમાં મજુરી કરતા લોકોની વસાહત, લેબર મુવમેન્ટ પર ખાસ ધ્યાન રાખવા માટે આરોગ્ય કર્મચારીઓને સુચના આપવામાં આવેલ છે. ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે તેમ અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ.