રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ તાલુકાના ચાણોદ ગામના બજારો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતાં લોક વ્યવહાર અટવાયો. તીર્થ સ્થાન ચાંદોદ કરનાળી ખાતે મંથર ગતિથી વધતા પૂરના પાણીથી લોકો વિસામણમાં મુકાયા છે. હાલમાં ચાંદોદ કરનાળી ખાતે વધતા પાણી જૈસે થે ની પરિસ્થિતિમાં છે. વધતા પૂરના પાણીને કારણે ક્યાં કેવી? કેટલી? પાણીની અસર થશે તે અંગે સૌ અવઢવની સ્થિતિમાં મુકાયા છે. નાવડી વ્યવહાર બંધ કરાતાં તથા પિતૃ તર્પણ કે અસ્થિ વિસર્જન માટે બહારથી આવેલા શ્રદ્ધાળુઓને ચાંદોદમાં પ્રવેશવા ન દેવાથી શ્રદ્ધાળુઓ અટવાયા હતા. આમ પૂરની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા લેવાયેલા અને લદાયેલા નિર્ણય સામે નગરમાં રોષ જોવા મળ્યો હતો.છેલ્લા ત્રણ દિવસથી સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર છોડાયેલા લાખો ક્યુસેક પાણીથી ચાંદોદ- કરનાળી ખાતે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સામેની બાજુએ તીર્થ સ્થાન ચાંદોદ ખાતે મુખ્ય બજારના દ્વારકાધીશ મંદિર પાસે તો પૂર્વ વિસ્તારમાં સમગ્ર ખાડીયા વિસ્તાર થઈ કપિલેશ્વર મહાદેવ મંદિર નજીક, પશ્ચિમ વિસ્તારના ચંડિકા ફળિયા, કોટફળીયા, માછીવાડ, વસાવા ફળિયામાં પૂરના પાણી પ્રવેશ્યા છે. પૂરના પાણીના કારણે પાંચપીપળા વિસ્તારમાં ફસાયેલા અને કચરો વીણી પેટિયું રળી ખાતાં માતા દીકરા ઉપરાંત મલ્હારરાવ ઘાટ સ્થિત વડોદરા જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસના કર્મચારી દંપતી અને માધવાનંદ આશ્રમમાં રોકાયેલા શ્રદ્ધાળુઓને એનડીઆરએફની ટીમ દ્વારા સહી સલામત રીતે રેસ્ક્યુ કરાયા હતા. તંત્ર દ્વારા અગમચેતીરૂપે કોઈ જાહેરાત ના કરતાં લોકો અટવાયા હતા.