રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાની જનરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી નિષ્ણાંત ડોક્ટરની જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે આ ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ભરતી કરવા ધારાસભ્ય દ્વારા આરાેગ્ય મંત્રીને રજુઆત કરવામા આવી છે. આ વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી કરેલી રજુઆતમા જણાવ્યું હતુ કે રાજુલા જાફરાબાદ અને ખાંભામાં આવેલી જનરલ હોસ્પિટલોમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના ડોક્ટર, સર્જન, જનરલ ફીઝીશીયન, ગાયનેકાેલાેજીસ્ટ વિગેરે જેવા નિષ્ણાંત ડોકટરો નથી.રાજુલા શહેર સહીત રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારના ગામના લોકો પણ આ જનરલ હોસ્પિટલમાં આવતા હોય છે. પરંતુ નિષણાંત ડોક્ટરોના અભાવે લોકો ખુબજ હેરાન થાય છે. લોકોએ નાછૂટકે મહુવા, ભાવનગર જવું પડે છે. રાજુલા જનરલ હોસ્પિટલમાં બધી જ સુવિધા તો ઉપલબ્ધ છે. પરંતુ નિષણાંત ડોકટરો નથી. જો રાજુલા જાફરાબાદ અને ખાંભાની જનરલ હોસ્પીટલમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણુંક વહેલી તકે કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને ખુબજ સારો ફાયદો થાય. અને તેઓને બહાર ગામ જવું ના પડે અને સાથોસાથ લોકોના સમયનો અને નાણાંનો પણ બચાવ થશે. તો આ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. આમ, ડોકટરો ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે..